ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે ૩૦૯.૧૦ કરોડના ખર્ચે ફોરલેન બ્રિજનું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તા. ૧૯મી ડિસેમ્બરે ભરૂચમાં જૂના નેશનલ હાઇવે નંબર ૮ ઉપર કિ.મી. ૧૯૩/૮ થી ૧૯૫/૨ વચ્ચે ગોલ્ડન બ્રિજની બાજુમાં સમાંતર નર્મદા નદી ઉપર નવા ચારમાર્ગીય પુલનું ખાતમુહૂર્ત કરવાના છે. ભરૂચ તરફ ૮૫૦ મીટર લંબાઇમાં જેમાં ૨૦ મીટર સોલિડ એપ્રોચ તથા ૬૪૦ મીટર વાઇડ પોર્સન અને સુરત તરફ ૧૭૦૦ મીટર લંબાઇના એપ્રોચ રોડ સહિત નિર્માણ પામનારા આ નવા પુલનું બાંધકામ ૩૦ માસમાં પૂર્ણ કરવામાં આવશે. આ બ્રિજનું રૂ. ૩૦૯.૧૦ કરોડના અંદાજિત ખર્ચે માર્ગ-મકાન વિભાગ નિર્માણ કરશે.

ભરૂચ જિલ્લાના મુખ્ય મથક ભરૂચની બાજુમાંથી વહેતી નર્મદા નદી પર હાલમાં ભરૂચ ગોલ્ડન બ્રિજ તથા રેલવે લાઇનના બ્રિજ સહિત બે પુલ આવ્યા છે અને ગોલ્ડન બ્રિજ ૧૮૮૨ની સાલમાં અંગ્રેજ શાસનના સમયે બનાવવામાં આવ્યો હતો. નર્મદા નદીના સામે છેડે અંકલેશ્વર શહેર છે. જેમાં એશિયા ખંડની સૌથી મોટી જીઆઇડીસી આવેલ છે, તેમજ ગુજરાત સરકારે ભરૂચ શહેર તથા અંકલેશ્વર શહેરને જોડીને ટ્વિન સિટી બનાવવાની યોજનામાં તેનો સમાવેશ કરેલ છે.

ગોલ્ડન બ્રિજ જૂનો હોવાથી તેના પરથી હાલમાં નાના તથા હલકાં વાહનોની અવર-જવર માટે અંદાજે છેલ્લા ૨૦ વર્ષ કે તેથી વધુ સમયથી પરવાનગી આપી હોવાને કારણે ભારે વાહનોને નવા નેશનલ હાઇવે પરથી ફરીને અંકલેશ્વર જવું પડે છે. જુનો સરદાર બ્રિજ વખતોવખત મરામતને લીધે બંધ રહેવાને કારણે આ રસ્તાઓ ઉપર ઉદભવતી ટ્રાફિક સમસ્યા હવે આ નવા ચારમાર્ગીય બ્રિજનું નિર્માણ થવાથી હલ થશે.

You might also like