આનંદીબહેને વેરાવળના દરિયામાં વિશાળ બોટ રેલીને લીલીઝંડી આપી

અમદાવાદ: ૬૭માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ઉપલક્ષ્યમાં વેરાવળના દરિયામાં વિશાળ બોટ રેલી નિકળી હતી. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે બોટ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.વેરાવળના ચોપટી મેદાન ખાતેથી મુખ્યમંત્રીએ આ બોટ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. ખમીરવંતા ખારવા સમાજની ૨૫થી વધુ નાવ રેલીમાં જોડાઇ હતી અને કતારબદ્ધ રીતે ધ્રૂવ માર્ગ પર રેલી કાઢી હતી. રેલીમાં જોડાયેલી નાવોને ત્રિરંગાના રંગથી રંગવામાં આવી હતી. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની થીમ ઉપરાંત ફલેગશિપ કાર્યક્રમોના સંદેશા બોટ પર જોવા મળતા હતા. રેલીની નાવોએ સડસડાટ દસેક કિ.મી.નું અંતર કાપી લીધું હતું. દર્શકોમાં ભારે આકર્ષણ ઊભું કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જુનાગઢ ડિવિઝનને રૂ. ૬૪૦ લાખના ખર્ચથી નવી ફાળવવામાં આવેલી ૨૦ મિની બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લામાં ફરનારા મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મુખ્યમંત્રી અમૃતમવ વાત્સલ્ય યોજનાના ૬ મોબાઇલ કિઓસ્ક વેનને ગતિમાન કરાવી હતી. રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ફરનારા મોબાઇલ વેન દ્વારા બંને યોજના હેઠળના લાભાર્થીઓની અરજી નોંધણીની કાર્યવાહી સ્થળ ઉપર જ કરવામાં આવશે.

You might also like