બાળકની ભૂલ શિક્ષક સુધારે તો જ વિદ્યાર્થી શીખશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર: પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકન કરવાના રાજ્યવ્યાપી અભિયાનના બીજા દિવસે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજકોટ જિલ્લાની બેડલા તાલુકા શાળાનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે પૂર્ણ શાળા સમય બાળકો સાથે રહી તેમની વાંચન, લેખન અને ગણનની ક્ષમતા ચકાસી હતી. સમૂહ પ્રાર્થના સમયે તેમણે બાળકો સાથે સ્નેહપૂર્ણ સંવાદ પણ સાધ્યો હતો. તેમણે શિક્ષણમાં અભિરૃચિ કેળવવા શીખ આપી હતી. ઉપરાંત બાળકોથી થતી ભૂલ સુધારવા શિક્ષકોને પ્રેરણાદાયી સૂચન કર્યું હતું.

આ બાબતે તેમણે જણાવ્યું કે શાળાકીય કાર્યમાં બાળકો દ્વારા અનેક પ્રકારની ભૂલો થતી હોય છે. આ ભૂલો સુધારવાની પવિત્ર ફરજ શિક્ષકોની બને છે. જો શિક્ષક વિદ્યાર્થીની ભૂલ સુધારશે જ નહીં, તો તે છાત્ર ક્યારેય સારુ શીખી શકશે નહીં. તેમણે બાળકોને કેટલાક ઉપયોગી સૂચનો કરતા જણાવ્યું કે શાળામાં જે શીખવા તથા જાણવા મળે છે તે માત્ર પુસ્તકો પૂરતું સીમિત રહી ન જાય, વાસ્તવિક રીતે જીવનમાં ઉતારવું પણ જોઈએ. શાળામાં ભણાવવામાં આવતા પાઠો, જીવન ચરિત્રોમાંથી પ્રેરણા લેવી જોઈએ અને તેમના જેવા બનવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ખાસ કરીને પ્રજ્ઞા વર્ગના બાળકો સાથે માતૃત વાત્સલ્ય સભર સંવાદ થયો હતો. તેમણે બાળકોની ગ્રહણ શક્તિથી પ્રશંસા કરી હતી.

મુખ્યમંત્રી બહુ વૈકલ્પિક ઉત્તરવહીના માધ્યમથી બાળકોની લેખન, ગણન અને વાંચનથી ક્ષમતાની ચકાસણીકરી હતી. શાળાના રજિસ્ટરોનું નિરિક્ષણ પણ કર્યું હતું. મુખ્યમંત્રી બેડલા ગામમાં યોજાયેલી ગ્રામ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાજમનો સાથે ચર્ચા દરમિયાન કહ્યું કે આજે સમગ્ર વિશ્વ આગળ ધપી રહ્યું છે. સ્પર્ધા નામનું તત્વ દરેક સ્થળે જોવા મળે છે. નવી સદીમાં ગુજરાતનો બાળક, યુવા આ સ્પર્ધાત્મક યુગમાં ટકી રહે તેની ચિંતા રાજ્ય સરકારે કરી છે. આથી જ અનેક પ્રકારની શૈક્ષણિક યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે શાળાઓને ઉત્તમ પ્રકારની ભૌતિક સુવિધાઓ પૂરી પાડે છે. હવે શિક્ષણમાં ગુણવત્તા સુધારણા પ્રત્યે મહત્ત્વ આપ્યું છે.

You might also like