સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડોઃ આનંદીબહેન

ગાંધીનગર: આગામી તા. ૨૨ ફેબ્રુઆરીથી તા. ૩૧ માર્ચ, ૨૦૧૬ સુધી રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર યોજાઇ રહ્યું છે. આ બજેટ સત્રમાં કોંગ્રેસે વિભિન્ન મુદ્દે આક્રમક બનીને તોફાની બનાવે તેવા પૂરેપૂરા એંધાણ છે. આ બજેટ સત્ર પૂર્વે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સ્વપક્ષના ધારાસભ્યો સાથે વ્યૂહાત્મક બેઠક યોજી હતી. જેમાં રાજ્ય સરકારની સિદ્ધિને લોકો સુધી પહોંચાડવા પર મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો.

આજે સાંજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સ્વપક્ષના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં બજેટ સત્રના સંદર્ભમાં વિભિન્ન વિષયો પર ચર્ચા થઇ હતી. સ્માર્ટસિટી, વાઇબ્રન્ટ તાલુકો સહિત રાજ્ય સરકારે પ્રાપ્ત કરેલ સિદ્ધિઓ બાબતે બેઠકમાં વિડિયો પ્રેઝન્ટેશન પણ કરાયું હતું. ભાજપના ધારાસભ્યો સાથેની બેઠકમાં આનંદીબહેને કોઇપણ જાતના વાદ વિવાદમાં પડ્યા વગર કે તૂ તૂ મૈં મૈં કર્યા વગર સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાની સૂચના ધારાસભ્યોને આપી હતી. તેમણે અર્જુન મોઢવાડિયાના આક્ષેપોને પાયાવિહોણા પણ ગણાવ્યા હતા. જમીનની ફાળવણી પારદર્શક રીતે થઇ છે અને કોંગ્રેસને ઉંબાડિયા કરવાની ટેવ છે. તેવો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ ઉપરાંત પાટીદારોની સાથે પણ રાજ્ય સરકાર વધુ નરમાશ દાખવશે તેવા સંકેત પણ મળ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનકારીઓના કેસ જોઇને તેમને છોડવામાં આવશે. આજની બેઠકમાં આંદોલનકારી પાટીદારોને માનભેર છોડવા સરકાર તૈયાર છે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના પણ પાટીદાર આંદોલનના સંદર્ભમાં જાહેર કરાઇ હતી. આ પ્રકારની વધુ યોજનાઓ પણ સરકાર લાવી શકે છે. તેવા સંકેત પણ આજની બેઠકમાં ધારાસભ્યોને અપાયા હોવાનું જાણવા મળ્યું છે.

આજે સંસદસભ્યો સાથે આનંદીબહેન બેઠક કરશે
કેન્દ્રીય બજેટ સત્રમાં ગુજરાતના પડતર પ્રશ્નોની ચર્ચા કરવા માટે આવતીકાલે આનંદીબહેન પટેલ રાજ્યના સંસદસભ્યો સાથે બેઠક યોજશે. કેન્દ્રના બજેટ સત્રમાં ભાજપના સંસદસભ્યો ગુજરાતલક્ષી રજૂઆતોને વધુ અસરકારક રીતે કરી શકે તેવો આશય આ બેઠક બોલાવવા પાછળનો મુખ્યમંત્રીનો છે.

You might also like