ચેમ્બરમાં વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણી ટાળવા હવે પૂર્વ પ્રમુખો મેદાનમાં

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સિનિયર અને જુનિયર વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની જઇ શકે છે. આવતી કાલે ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ હોવા છતાં હજુ સુધી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને જુનિયર વાઇસ પ્રેસિડેન્ટ માટે બંને પક્ષ હાલ ચૂંટણી લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, જોકે ચેમ્બરનું વાતાવરણ ખરડાય નહીં તથા ચેમ્બરની પ્રતિષ્ઠાને લઇને કોઇ મોટો પ્રશ્ન ઊભો ન થાય તે માટે ચૂંટણી ન થાય તે માટે ચેમ્બરના પૂર્વ પ્રમુખો મેદાનમાં આવ્યા છે તથા બંને પક્ષને સમજાવવાના પ્રયાસ આરંભી દીધા છે. સિનિયર વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દા માટે કે.ટી. પટેલ અને જૈમિન વસા સામસામા ચૂંટણી લડી રહ્યા છે. કે.ટી. પટેલ અત્યારે જુનિયર વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો ધરાવે છે તથા વટવાના ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનનો સપોર્ટ છે તો બીજી બાજુ જૈમિન વસા કે જેઓ કેમિકલ અને ફાર્મા સેક્ટર સાથે સંકળાયેલા છે તથા ચેમ્બરની હાલની ફોરેન ટ્રેડ કમિટીના ચેરમેન છે. બંને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દા માટે હાલ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

જુનિયર વાઇસ પ્રેસિડેન્ટ માટે ત્રણ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જયેન્દ્ર તન્ના, જેઓને સૌરાષ્ટ્ર વેપારી એસોસીએશનનું ભારે સમર્થન છે. તેઓની સામે ભાર્ગવ ઠક્કર ઊભા રહ્યા છે, જ્યારે હેમંત શાહ પણ મેદાનમાં ઊતર્યા છે. ભાર્ગવ ઠક્કરને લોહાણાનું, જ્યારે હેમંત શાહને જૈન વેપારી મતોનું સમર્થન છે. જુનિયર વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દા પર પણ ચૂંટણી ન થાય તે માટે માજી પ્રમુખોએ સમાધાનની પ્રક્રિયા હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like