ચેમ્બરમાં હવે લાંબા સમય સુધી કોઈ હોદ્દા ઉપર ચીટકી રહી શકશે નહીં

અમદાવાદ: ગુજરાત ચેમ્બર્સ અૉફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (જીસીસીઅાઈ)માં કેટલાક સભ્યો લાંબા સમયથી એક યા બીજા હોદ્દા ઉપર ચીટકી રહે છે. જે હવે શક્ય બનશે નહીં. જીસીસીઅાઈ તેના બંધારણમાં કેટલાક મહત્ત્વના સુધારા કરવા જઈ રહી છે. અા સુધારાઅોને ચેમ્બરની અાગામી ચૂંટણી પહેલાં બહાલી અાપવા માટે ચેમ્બરની એજીએમ પણ બોલાવવાનું અાયોજન કરવામાં અાવ્યું છે. અાગામી તા. 11 એપ્રિલના રોજ ચેમ્બરની કારોબારીની બેઠકમાં સુધારા કરાશે.

ચેમ્બરની કારોબારીમાં કોઈપણ સભ્ય કમિટીમાં કે અન્ય હોદ્દા પર ત્રણ કે ચાર ટર્મ સુધી જ રહી શકે તેવો સુધારો કરાય તેવી શક્યતા છે. જ્યારે સભ્ય નોંધણી માત્ર નવેમ્બરથી જાન્યુઅારી સુધી એટલે કે ત્રણ મહિના સુધી જ કરવામાં અાવે છે જે સમગ્ર વર્ષ દરમિયાન થઈ શકશે. અા ઉપરાંત એક જ પેઢીનાં નામ ઉપર એકથી વધુ ભાગીદાર વ્યક્તિગત સભ્ય બની શકે છે તે નિયમમાં સુધારો કરીને એક જ પેઢીનાં નામ ઉપર એક જ ભાગીદાર વ્યક્તિગત સભ્ય બની શકશે તેવો સુધારો કરવામાં અાવશે.

ચેમ્બર દ્વારા કારોબારી કમિટીની બેઠકમાં બંધારણમાં સુધારા કરવાના ઠરાવ કર્યા બાદ તેને બહાલી અાપવા માટે ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) બોલાવવામાં અાવશે અને તેમાં સ્પેશિયલ કારોબારીમાં કરાયેલા ઠરાવને બહાલી અાપવામાં અાવશે. અા એજીએમમાં બંધારણીય સુધારાઅોને બહાલી અપાયા બાદ તેને પુન: કારોબારીની બેઠકમાં બહાલી અાપીને બંધારણીય સુધારાને માન્ય રાખવાનું અાયોજન કરાયું છે.

અા અંગે જીસીસીઅાઈના પ્રમુખ રોહિત જે. પટેલે જણાવ્યું હતું કે 11મીએ ચેમ્બરની કારોબારીની બેઠક બોલાવવામાં અાવી છે. અા બેઠકમાં અગાઉ કમિટી દ્વારા બંધારણીય સુધારાને લગતાં ઠરાવ કરાયા છે તેને બહાલી માટે રજૂ કરાશે. ચેમ્બરની ચૂંટણી જૂનમાં યોજાય તેવી સંભાવના  ગુજરાત ચેમ્બર અૉફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ, વાઈસ પ્રેસિડેન્ટ તેમજ કારોબારી સમિતિના વિવિધ કેટેગરીના 24 સભ્યની ચૂંટણી અા વખતે મે મહિનાના બદલે જૂનના ત્રીજા સપ્‍તાહમાં યોજાય તેવી સંભાવના છે. કારણ કે ચેમ્બરની 11 એપ્રિલે મળનારી કારોબારીમાં કેટલાક બંધારણીય સુધારાઅોને બહાલી અાપવામાં અાવનાર છે.

અા સુધારાને બહાલી અાપવા માટે ચેમ્બરની એજીએમને ચૂંટણીની જાહેરાત કરાયા પહેલાં બોલાવવી પડે. પરંતુ દર વર્ષે ચેમ્બરની ચૂંટણીના મતદાન બાદ અને મતગણતરીના એક દિવસ અગાઉ બોલાવવામાં અાવે છે. જેના કારણે ચેમ્બરની ચૂંટણી અા વખતે મે મહિનાના બદલે જૂનના ત્રીજા સપ્તાહમાં યોજાય તેવી સંભાવના બળવત્તર બની હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like