ચેમ્બરની સિનિયર અને જુનિયર વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મતદાન

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને જુનિયર વાઇસ પ્રેસિડેન્ટની રસાકસીભરી ચૂંટણીનું મતદાન આજે સવારે ૧૦.૦૦ વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું હતું. સવારે ૧૧.૨૦ કલાક સુધીમાં ૪૫૦થી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. ચાર વાગ્યા સુધી યોજાનાર આ ચૂંટણીના મતદાન બાદ ચેમ્બરની વાર્ષિક સામાન્ય સભા યોજાશે, જેમાં સત્તાવાર રીતે નવા પ્રમુખ તરીકે શૈલેશભાઇ પટવારીને ચાર્જ સોંપાશે. ચેમ્બરની આ ચૂંટણીમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કે. ટી. પટેલ અને જયમીન વસા ઉમેદવાર તરીકે છે, જ્યારે જુનિયર વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ભાર્ગવ ઠક્કર અને જયેન્દ્ર તન્ના વચ્ચે સીધો જંગ છેડાયો છે. ૩૬૦૦ મતદારો પૈકી અંદાજે આજની ચૂંટણીમાં ૩૦થી ૪૦ ટકા મતદાન થવાની શક્યતા છે, જોકે કોર્પોરેટ સભ્યોનું મતદાન તથા બહારગામના સભ્યોનું મતદાન મહત્ત્વનું સાબિત થઇ શકે છે.

આજની ચૂંટણી સંદર્ભે ઉમેદવારોએ જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. સિનિયર વાઇસ પ્રેસિડેન્ટની ઉમેદવારી કરી રહેલા કેમિકલ બિઝનેસના અગ્રણી જયમીન વસા તથા જુનિયર વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર ભાર્ગવ ઠક્કરે બ્રોસર જારી કર્યું હતું તથા ટેલિફોનિક અંગત સંપર્ક કરીને જીત માટે તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. બીજી બાજુ કે. ટી. પટેલ અને જયેન્દ્ર તન્નાની પેનલે કન્સલ્ટન્ટને રોકીને પ્રચાર-પ્રસાર કર્યો હતો. આ કાઉન્ટિંગનું પરિણામ ૧૨થી ૧૨.૩૦ વાગ્યા સુધીમાં આવે તેવી શક્યતા છે.
http://sambhaavnews.com/

You might also like