ચેમ્બરનું સોશિયલ મીડિયા, પત્રિકા થકી ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કારનું અભિયાન

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સહિત વિવિધ વેપારી એસોસિયેશનો રાજ્યમાં આવતી વિવિધ ચાઇનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કાર માટે અભિયાન છેડ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે સ્વદેશી પ્રોડક્ટ્સ વાપરો અને દેશ ભક્તિ અપનાવો એવા બેનરની પત્રિકા સાથે વેપારીઓમાં તથા ગ્રાહકોમાં જાગૃતિ આવે તે માટે પત્રિકા બહાર પાડવામાં આવી છે, જેમાં ફટાકડા, લાઇટિંગ, બલ્બ, રમકડાં, સિરામિક પ્રોડક્ટ્સ, મોબાઇલ ફોન, કમ્પ્યુટર, પતંગ, દોરી જેવી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા જણાવ્યું છે.

નોંધનીય છે કે રાજ્યમાં એક અંદાજ મુજબ ૧૨૦૦૦ કરોડથી વધુ ચાઇનીઝ ચીજવસ્તુઓની આયાત થાય છે. વેપારી એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ચીનની ચાઇનીઝ પ્રોડક્ટ્સના અંડર ઇન્વોઇસના કારણે આ ચીજવસ્તુઓ દેશમાં બનતી ચીજવસ્તુઓ કરતાં વધુ સસ્તી પડે છે, જેને કારણે સરકારે કરોડો રૂપિયાનો ટેક્સ ગુમાવવાનો વારો આવે છે તો બીજી બાજુ સ્થાનિક ઉદ્યોગોને પણ મરણતોલ ફટકો પડ્યો છે. દરમિયાન અમદાવાદ વેપારી મહાજન સાથે જોડાયેલા વિવિધ એસોસિયેશનોએ પણ સોશિયલ મીડિયા થકી ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી સાચી દેશભક્તિ નિભાવો તેવા મેસેજ વહેતા કરીને પ્રચાર અભિયાન છેડ્યું છે.

આ અંગે ગુજરાત ચેમ્બરના પ્રમુખ બિપીનભાઇ પટેલે જણાવ્યું કે આ અભિયાનના કારણે લોકોમાં તથા વેપારીઓમાં જાગૃતિ આવશે એટલું જ નહીં સ્વદેશી ચીજવસ્તુ વાપરવાની ભાવના સાથે દેશદાઝ પણ વધશે સાથેસાથે સ્થાનિક ઉદ્યોગોને પણ તેનો સીધો ફાયદો થશે.

સરકારની ટેક્સની આવક વધશે
ચાઈનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારથી સ્થાનિક ઉદ્યોગોનો ટેક્સટાઇલ, કેમિકલ સહિત વિવિધ કારોબાર વધશે તથા સરકારની આવકમાં પણ  વધારો થશે.

You might also like