રાજ્યમાં એરંડાના ઉત્પાદનમાં આઠ ટકા વધારાનું અનુમાન

અમદાવાદ: રાજ્યમાં એરંડાના ઉત્પાદનમાં આઠ ટકા વધારો થવાનું અનુમાન છે. પાછલાં બે વર્ષથી રાજ્યમાં અપૂરતા વરસાદ વચ્ચે ખેડૂતો વધુ ને વધુ રોકડિયા પાક તરફ વળતાં તથા આ પાકને ઓછા પાણીની જરૂરિયાત હોવાના કારણે તેનો વાવેતર વિસ્તાર વધ્યો છે અને તેના કારણે એરંડાનું વધુ ઉત્પાદન થશે.

પાછલા વર્ષના ૧૦.૬ લાખ ટનની સરખામણીએ ચાલુ વર્ષે રાજ્યમાં એરંડાના ઉત્પાદનમાં આઠ ટકાનો વધારો થઇ ૧૧.૫ લાખ ટન ઉત્પાદન થશે, એટલું જ નહીં દેશમાં એરંડાના વાવેતર વિસ્તારમાં પણ વધારો થયો છે. સોલ્વેન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે દેશમાં એરંડાના ઉત્પાદનમાં ૧૦ ટકાનો વધારો થવાનું અનુમાન છે. વર્ષ ૨૦૧૪-૧૫માં એરંડાનું ઉત્પાદન ૧૨.૭ લાખ ટન હતું, જે ચાલુ વર્ષે વધીને ૧૩.૯ લાખ ટન રહેવાનું અનુમાન છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ જેવાં રાજ્યમાં પાણીની ઓછી ઉપલબ્ધતાના કારણે ખેડૂતો એરંડાની ખેતી તરફ વળ્યા છે.

You might also like