ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર શરૂ: ૨૩મીએ બજેટ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે જે ખુબ જ તોફાની બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બજેટ સત્રમાં જુદા જુદા મુદ્દાઓને લઇને આનંદીબેન પટેલ સરકારને ભીંસમાં લેવા માટે કોંગ્રેસ પાર્ટી સજ્જ દેખાઈ રહી છે. હાલમાં જ યોજાયેલી ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં પ્રમાણમાં સારો દેખાવ કોંગ્રેસનો રહ્યા બાદ કોંગ્રેસી નેતાઓમાં નવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

આજથી શરૂ થતાં સત્ર દરમિયાન કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, ભ્રષ્ટાચાર, અનામત સહિતના મુદ્દા ઉપર સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરવામાં આવશે. બીજી બાજુ ભાજપે પણ વિરોધ પક્ષનો સામનો કરવા માટે પોતાની રણનીતિ તૈયાર કરી છે. સ્થાનિક ચૂંટણી બાદ પ્રથમ વખત ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે.

સત્ર આજથી શરૂ થયા બાદ ૩૧મી માર્ચ સુધી ચાલનાર છે. ૨૩મી ફેબ્રુઆરીના દિવસે નાણામંત્રી સૌરભ પટેલ ગુજરાતનું બજેટ રજૂ કરશે. આ સત્ર દરમિયાન નવા જુદા જુદા વિધેયકો રજૂ કરવામાં આવનાર છે. મોંઘવારીનો મુદ્દો પણ છવાય તેવી શક્યતા છે. વિજળી, કાયદો અને વ્યવસ્થા, પીવાના પાણીના મુદ્દે પણ ચર્ચા થઇ શકે છે. બેરોજગારીના મુદ્દા ઉપર પણ કોંગ્રેસ પ્રહાર કરે તેવી શક્યતા છે. આ સત્ર દરમિંયાન ૨૮ બેઠકો થશે.

છેલ્લા ગાળામાં કેગના અહેવાલ ઉપર પણ ચર્ચા થશે. રાજ્ય સરકાર અલગ અલગ બિલ રજૂ કરશે જેમાં લેન્ડ રેવન્યુ એક્ટમાં સુધારાની બાબતનો સમાવેશ થાય છે. વિજ દરોમાં સામાન્ય ફેરફાર કરતો ખરડો પણ લવાશે. ખાસ કરીને બિનપરંપરાગત વિજળીના દરોમાં ફેરફાર કરતો ખરડો રજૂ કરવામાં આવશે. કોંગ્રેસ સત્રમાં આર્થિકરીતે પછાત વર્ગોના લોકો માટે સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૨૦ ટકા અનામતની જોગવાઈ કરતા ખરડાની માંગ કરી શકે છે.

ગુજરાત સરકારના બજેટ આડે વધારે દિવસ રહ્યા નથી ત્યારે ગુજરાતના બજેટમાં વેરા ઝીંકાશે કે યોજનાઓ ઉપર કાપ મુકાશે તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ જોવા મળી રહી છે. આગામી બજેટમાં બે છેડા કેવી રીતે ભેગા કરવા તે નાણા વિભાગ માટે મુશ્કેલ બની રહેવાનું છે. છ હજાર કરોડનો ઘટાડો સરભર કરવા માટે સરકાર પાસે ચાલાકી પૂર્વક કરબોજ વધારવા કે પછી યોજનાઓ પર કાતર ફેરવવા સિવાય કોઈ વિકલ્પ નથી.

કેટલાક અધિકારીઓના મતે આ ગાબડુ માર્ચના અંતે વધીને ૧૦ હજાર કરોડનું થઈ શકે છે. લગભગ એક દાયકા બાદ સર્જાયેલી આ સ્થિતિમાંથી રસ્તો કાઢવા મેરેથોન બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ડીઝલ પેટ્રોલના ભાવમાં સતત ઘટાડો થતા સરકારને તેની પર જે વેટ મળતો હતો તેમાં પણ ઘટાડો થવા પામ્યો છે. જે ચાલુ નાણાકીય વર્ષના અંતે બે હજાર કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.

ગેસમાં પણ ભાવ ઘટતા અને દરિયાઈ માર્ગે આવે તેનું સીધુ બજારમાં વેચાણ થતાં તેમાં પણ બે હજાર કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. કેમિકલ્સ, પોલીમર સહિતની ભારે વેટ આપતી ચીજ વસ્તુઓની કિંમતમાં પણ નાનો મોટો ઘટાડો થતા બે હજાર કરોડની આવક ઓછી થવા પામી છે.

You might also like