ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને નીટ માટે ૨૦ ટકા કોર્સ બે મહિનામાં કવર કરવાનાે પડકાર

અમદાવાદ: મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે નીટની પરીક્ષા ફરજિયાત લેવાનો સુપ્રીમ કોર્ટે અાદેશ કર્યો છે, જેના કારણે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઅોએ બે વર્ષના કોર્સને બે મહિનામાં કવર કરવો પડશે, કારણ કે નીટની પરીક્ષા સીબીએસઈના અભ્યાસક્રમ મુજબ લેવામાં અાવે છે, જે મુજબ નીટની પરીક્ષા ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાંથી લેવાની પદ્ધતિ છે. જ્યારે ગુજરાત બોર્ડ દ્વારા અત્યાર સુધી લેવાતી ગુજકેટની પરીક્ષા માત્ર ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહના સેમેસ્ટર 3 અને 4ના અભ્યાસક્રમ ઉપરથી લેવામાં અાવે છે.

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે સુપ્રીમ કોર્ટે ફરજિયાત નીટની પરીક્ષા અાપવાનો અાદેશ કર્યો છે, જે અંગે ગુજરાત સરકાર અપીલમાં ગઈ હતી અને વિદ્યાર્થીઅોને પરીક્ષાની તૈયારી માટે એક વર્ષની મુદત અાપવા રજૂઅાત કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની માગણીને ગ્રાહ્ય રાખી ન હતી, પરંતુ ગત તા. 1 મેના રોજ લેવાયેલી એઅાઈપીએમટીની પરીક્ષા અાપનાર વિદ્યાર્થીઅો ફરીથી પરીક્ષા અાપી શકશે તેવો નિર્ણય કર્યો હતો.

નીટની એક્ઝામના કારણે વિદ્યાર્થીઅો અને વાલીઅો મૂંઝવણમાં છે ત્યારે શિક્ષણ વિભાગના જાણકાર અને તજજ્ઞો દ્વારા જણાવાયું હતું કે અા નીટની પરીક્ષા માટે વિદ્યાર્થીઅોએ પોતાની માનસિકતા બદલવી પડશે, કારણ કે ગુજકેટની પરીક્ષામાં કે‌િમસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સ વિષયના સરખા ભાગે વહેંચવામાં અાવે છે. જ્યારે નીટની પરીક્ષામાં ખાસ કરીને બાયોલોજી વિષયને પ્રાધાન્યતા અપાય છે. અામ છતાં બાયોલોજી, કે‌િમસ્ટ્રી અને ફિઝિક્સમાંથી કેટલા ગુણના પ્રશ્નો પુછાશે તેનું ધોરણ નિશ્ચિત નથી હોતું.

અાથી વિદ્યાર્થીઅોએ નીટની પરીક્ષાની તૈયારી માટેની માનસિકતા બદલવી પડશે. અા અંગે બી. જે. મેડિકલ કોલેજના ડીન અને એસીપીસીના ચેરમેન ડૉ. ભરત શાહ એ જણાવ્યું હતું કે નીટની પરીક્ષા માટે સીબીએસઈના કોર્સ અને ગુજરાત બોર્ડના કોર્સમાં 20 ટકાનો તફાવત છે. જોકે કોર્ટેં નીટની પરીક્ષાનું રાજ્યવાર મેરિટ અાપવાનું તેમજ 85-15નો રેશિયો યથાવત્ રાખવા જણાવ્યું છે. તે બાબત ગુજરાતના વિદ્યાર્થીઅો માટે ફાયદાકારક છે. અા માટે ગુજરાતના વિદ્યાર્થીઅોનું મેરિટ દોઢથી બે ગણું વધારવું પડશે તો જ ગુજરાતની બેઠકો ભરાશે અન્યથા ખાલી રહેશે.

અા અંગે સી.એન. વિદ્યાલયના અાચાર્ય હિતેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે નીટની પરીક્ષામાં ધોરણ 11 અને 12 એમ બે વર્ષના કોર્સને ધ્યાનમાં લેવાય છે. જ્યારે ગુજકેટમાં માત્ર સેમેસ્ટર 3 અને 4ને ધ્યાનમાં લેવાય છે.  અાથી વિદ્યાર્થીઅોએ બે માસ બે વર્ષના કોર્સને કવર કરવો પડશે, એટલું જ નહીં વિદ્યાર્થીઅોએ બાયોલોજીના વિષય ઉપર પ્રાધાન્યતા અાપવી પડશે.  અા ઉપરાંત જો નીટની પરીક્ષામાં ગુજરાતી ભાષાને સ્થાન અપાશે તો વિદ્યાર્થીઅોને ફાયદો રહેશે.

You might also like