આજે વિજય રૂપાણીની ભાજપ પ્રદેશ પ્રમુખ પદે વરણી થશે

અમદાવાદ: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પદે રાજ્યના કેબિનેટ મંત્રી લગભગ નિશ્ચિત હોઈ આવતીકાલે તેઓ પ્રમુખની ચૂંટણીમાં સર્વસંમતિથી ચૂંટાઈ આવશે. વિજય રૂપાણીની પ્રદેશ પ્રમુખની તાજપોશીને વધાવવા કાર્યકરો દ્વારા ઠેર ઠેર ધમાકેદાર ઉજવણીના કાર્યક્રમો થશે.

પક્ષના નવા પ્રદેશ પ્રમુખ અંગેની મહિનાઓથી ચાલતી ચર્ચાને આવતીકાલે બપોરના ૧૨.૩૯ના વિજય મુહૂર્તમાં અંત આવી જશે. એક અથવા બીજા કારણસર પ્રમુખપદની ચૂંટણીનો કાર્યક્રમ વિલંબમાં મૂકાતો હતો, પરંતુ આવતીકાલે પ્રમુખ વરણી માટેનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. આજે સવારે ૧૧થી બપોરના ૧૨ વાગ્યા સુધી ઉમેદવારીપત્ર ભરાશે. જોકે ભાજપ શિસ્તબદ્ધ પક્ષ હોઈ પ્રમુખપદના ઉમેદવાર તરીકે વિજય રૂપાણીના વિરુદ્ધ અન્ય કોઈ સ્પર્ધામાં ઝુકાવે તેવી શક્યતા નહીંવત છે. એટલે રાજ્યના કેબિનેટ મંત્રી વિજય રૂપાણી જ સર્વસંમતિથી ચૂંટાઈ આવશે.

વિજય રૂપાણીએ ગઇકાલે પૂર્વ મુખ્યંત્રી અને પક્ષના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલના નિવાસસ્થાને જઈને તેમના આશીર્વાદ પણ લીધા હતા. કેશુભાઈ પટેલ સાથેની આ મુલાકાતને પગલે તેમના સમર્થકોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. આજે સાંજે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રદેશ પ્રભારી દિનેશ શર્મા, ચૂંટણી અધિકારી અર્જુમ મેઘવાળ, સંગઠન સહમંત્રી વી. સતિષ સહિતના સભ્ય બનેલી કોર કમિટીની બેઠકમાં વિજય રૃપાણીના નામની જાહેરાત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

જોકે આવતીકાલે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બપોરના ૧૨.૩૯ વાગ્યાના વિજયી મુહૂર્તમાં તેમના નામની સત્તાવાર જાહેરાત કરાશે. ત્યાર બાદ પ્રદેશ કાર્યાલયમાં વિશાળ મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં નવા પ્રમુખનું ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરાશે.

વિજય રૂપાણી ભાજપના દશમાં પ્રદેશ પ્રમુખ બનશે
ગત તા. ૬ એપ્રિલ, ૧૯૮૦એ ભાજપની રચના કરાઈ હતી. તે વખતે કેશુભાઈ પટેલે પ્રદેશ પ્રમુખની સત્તા સંભાળી હતી. ત્યાર બાદના પ્રમુખોમાં મકરંદ દેસાઈ, ઈન્ચાર્ય પ્રમુખપદે ડો. એ. કે. પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, વજુભાઈ વાળા, રાજેન્દ્રસિંહ રાણા, પરષોત્તમ રૃપાલાએ પ્રમુખની જવાબદારી સંભાળી હતી. રૂપાલા બાદ હાલ આર.સી. ફળદુ પક્ષ પ્રમુખ બ્યા હતા અને હવે આવતીકાલે વિજય રૃપાણી ભાજપના દશમાં પ્રમુખ બનવા જઈ રહ્યા છે.

ઈમરજન્સી દરમિયાન વિજય રૂપાણીએ જેલવાસ ભોગવ્યો હતો
વિદ્યાર્થી નેતા તરીકે રાજકીય કારકિર્દીનો પ્રારંભ કરનાર વિજય રૃપાણી આર.એસ. એસ. અને જનસંઘ સાથે પણ સંકળાઈ ચૂક્યા છે. ભાજપના સ્થાપનાકાળથી તેઓ પક્ષ સાથે જોડાયેલા છે. વર્તમાન કેબિનેટમાં તેઓ ઈમરજન્સી દરમિયાન જેલવાસ ભોગવનાર એકમાત્ર મંત્રી છે.

રાજકોટના કોર્પોરેટર તરીકે તેઓએ સર્વપ્રથમ ચૂંટણી જીતી હતી
ઓગસ્ટ, ૨૦૧૪માં વજુભાઈ વાળાએ કર્ણાટકના રાજ્યપાલ બનવાથી રાજકોટ (પશ્ચિમ)ના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આ બેઠકની વિગત તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૧૪એ યોજાયેલી પેટાચૂંટણીમાં વિજયભાઈ વિક્રમજનક સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. અત્યારે આનંદીબહેન પટેલ સરકારના વાહનવ્યવહાર પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર મંત્રી વિજય રૃપાણીએ રાજકોટના કોર્પોરેટર તરીકે પોતાની સર્વપ્રથમ ચૂંટણી જીતી હતી. તેઓ રાજકોટના મેયર, રાજ્યસભાના સંસદસભ્ય, કેશુભાઈ પટેલની સરકારમાં ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન, નરેન્દ્ર મોદીની સરકારમાંગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે.

ભાજપના મહામંત્રી રૂપાણી હવે પ્રમુખનો જવાબદારી સંભાળશે
નરેન્દ્ર મોદીની ‘ગુડબુક’માં આવતા વિજય રૂપાણીએ તેમના શાસનમાં સમયગાળામાં ભાજપના મહામંત્રીનો જવાબદારી ભર્યો હોદ્દો સંભાળ્યો હતો. કેશુભાઈ પટેલની સત્તા દરમિયાન વિજય રૃપાણી ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. જોકે એક સમયના પક્ષના મહામંત્રી એવા રૂપાણી હવે પ્રમુખની નવી જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે.

You might also like