ગુજરાત ભાજપ પ્રમુખની જાહેરાત જાન્યુઆરીના અંત સુધીમાં થશે

અમદાવાદ: ગુજરાત ભાજપ પ્રદેશની વરણીની પ્રક્રિયા જટીલ બની છે. એક અથવા બીજા કારણસર નવા પ્રમુખની પસંદગી થઈ શકી નથી. હવે નવા પ્રમુખના નામની જાહેરાત ચાલુ મહિનાના અંત સુધીમાં થાય તેવી અટકળો ઊઠી છે.

ભાજપના હાલના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની પ્રમુખપદની ટર્મ પૂર્ણ થઈ હોઈ દિલ્હી ખાતે આવતીકાલે નવા રાજકીય પ્રમુખની ચૂંટણી માટેના ઉમેદવારીપત્ર ભરાશે. આવતીકાલે જ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને જો એક કરતા વધુ ઉમેદવારો હશે તો તા. ૨૫ જાન્યુઆરીએ ચૂંટણી થશે. જોકે અમિત શાહ પુનઃ બીજી ટર્મ માટે સર્વ સંમતિથી રાષ્ટ્રીય પ્રમુખપદે ચૂંટાઈ આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ દરમિયાન પક્ષના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીના કારણે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તેમજ કેટલાક વરિષ્ઠ મંત્રીઓ અને સંગઠનના ટોચના પદાધિકારીઓ પણ આજે રાતે દિલ્હી જવા રવાના થયા હતા. દિલ્હીમાં આ મહાનુભાવો પ્રદેશ પ્રમુખની પસંદગી માટેના નિરીક્ષક અર્જુનરામ મેઘવાલ સહિતના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે. જોકે નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત બાદ અર્જુન મેઘવાલ સાથે બેઠક યોજાશે.

દિલ્હી સ્તરેથી ગુજરાતના પ્રદેશ પ્રમુખની પસંદગીના મામલે રસ લેવાઈ રહ્યો હોઈ આ તમામ મંત્રણા-મસલતના અંતે હાલ ચર્ચાના નામો પૈકી કોઈ એક નામ આપવાનો સદંતર અજાણ્યાની પસંદગી થઈ શકે છે. જોકે પક્ષના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રમુખના નામનું રહસ્ય ખુલશે. જાન્યુઆરી અંતની પહેલા પક્ષને નવા પ્રમુખ મળી જશે તેમ ભાજપના ઉચ્ચ વર્તુળોએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લો, સુરત શહેર, સુરત જિલ્લો વડોદરા શહેર, વડોદરા જિલ્લો, ગાંધીનગર શહેર, મહેસાણા, વલસાડ, તાપી, દાહોદ, ખેડા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર, જુનાગઢ શહેર, જુનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લામાં પણ પ્રમુખની પસંદગીનું કોકડું ગૂંચવાયેલું છે પ્રથમ તબક્કામાં છેક ૧૫ જાન્યુઆરીએ ૨૫ જિલ્લા શહેરના પ્રમુખની વરણી થઈ હતી.

You might also like