ગુજરાત ભાજપની કમાન ક્ષત્રિયના હાથમાં?

ગુજરાત રાજ્યમાં ચાલી રહેલું પાટીદાર અનામત આંદોલન ફરીથી વેગ પકડે તેવી ભીતિ સેવાઈ રહી છે. આંદોલન દરમિયાન અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે ભાજપને હરાવવા પાટીદારોમાં ‘જય ભવાની-ભાજપ જવાની’નો નારો ચાલ્યો હતો. ચૂંટણીનાં પરિણામોમાં શહેરી વિસ્તારમાં આ નારો ચાલ્યો નથી, પરંતુ ગ્રામ્ય કક્ષાએ આ નારાની અસર જોવાઈ છે.

બીજી તરફ ભાજપ પક્ષ પ્રમુખ આર. સી. ફળદુની ટર્મ પૂર્ણ થઈ રહી છે ત્યારે નવા પ્રમુખ માટેનાં નામોની ચર્ચા જામી છે. ભાજપના આંતરિક સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ભાજપનું મોવડી મંડળ અનામત આંદોલનને નાથવા માટે પ્રદેશ પ્રમુખની કમાન ક્ષત્રિયને સોંપવા વિચારી રહ્યું છે. આ માટે બે ક્ષત્રિય નેતાઓનાં નામ પણ ચર્ચાઈ રહ્યાં છે. આ ઉપરાંત ઓબીસી અને ક્ષત્રિય કોમ્બિનેશન અંગે પણ વિચારણા થઈ છે અને તે માટે પણ એક અગ્રણીનું નામ ચર્ચાઈ રહ્યું છે.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પાટીદાર હોવા છતાં આંદોલનને નાથવામાં નિષ્ફળ રહ્યાં હોવાની ગંભીર નોંધ ઉચ્ચ કક્ષાએ લેવાઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બાબતે નારાજ છે. કચ્છ ખાતે યોજાયેલી ડીજી સમીટ વખતે વડાપ્રધાનના મોઢા પર આ અણગમો સ્પષ્ટ દેખાતો હતો એટલે જ તેમને મુખ્યમંત્રી સાથે નિશ્ચિત અંતર રાખ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

You might also like