ભાજપ-કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૧૭માં યોજાશે. આ ચૂંટણી વહેલી યોજાવાની સંભાવનાઓ વચ્ચે ભાજપ-કોંગ્રેસે અત્યારથી જ કવાયત હાથ ધરી છે. આ બંને પક્ષોની હિલચાલ જોતાં રાજકીય નિષ્ણાતો પણ માની રહ્યા છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવે તેવા સંકેતો છે. ભાજપ દ્વારા ૧૮ નવેમ્બરથી ઉચ્ચ સ્તરીય બેઠકોનો પ્રારંભ થયો છે. જેમાં પ્રધાનો અને જિલ્લા કક્ષાના મહત્ત્વના નેતાઓને પ્રજા વચ્ચે સામે ચાલીને જવાના આદેશ અપાયા હોવાનું જાણવા મળ્યું છે, કારણ કે ભાજપના નેતાઓ નોટબંધી બાદ બાદ ઊભી થયેલી સ્થિતિમાં પ્રજા વચ્ચે જવાનું ટાળી રહ્યા છે. જોકે હવે પાર્ટીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે દેશહિતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે તેવો પ્રચાર નેતાઓએ જ કરવાનો છે. સામે પક્ષે કોંગ્રેસે તો ઉમેદવાર પસંદગી પ્રક્રિયા માટે ટિકિટઇચ્છુકો પાસેથી ફોર્મ ભરાવી દીધાં અને હવે જાણે ચૂંટણીઢંઢેરો જાહેર કરતાં હોય તે રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસના નેતાઓએ અમદાવાદમાં પ્રેસ કરીને તેઓની સરકાર આવશે તો બેકારીભથ્થું આપશે તેવી જાહેરાત પણ કરી દીધી છે.

બેકારોમાં પણ ૧૨ પાસને ૨૫૦૦થી માંડીને સ્નાતક થયેલાઓને ૩૫૦૦ ભથ્થાંની જાહેરાત કરી છે. સામાન્ય રીતે રાજકીય પક્ષો ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણીઢંઢેરો જાહેર કરીને મતદારોને આકર્ષિત કરવાના પ્રયાસો કરતા હોય છે પણ કોંગ્રેસે અત્યારથી જ જાણે ચૂંટણી જાહેર થઇ ગઇ હોય તેમ કોંગ્રેસની સરકાર આવશે તો પ્રજા માટે શું કરશે તેની જાહેરાતો કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસે લાંબા સમય બાદ દરરોજ એક વિષયને લઇને ધરણાંના કાર્યક્રમ આપવાના પણ શરૂ કરી દીધા છે.

સહકારી ક્ષેત્ર ભાજપની સાથે પણ સામે
રાજ્યમાં ભાજપ છેલ્લાં ૨૦ વર્ષથી શાસન કરી રહ્યો છે. ભાજપના હાલના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ દ્વારા ગુજરાતના કાર્યકાળ દરમ્યાન સહકારી ક્ષેત્રને કોંગ્રેસની ચુંગાલમાંથી મુક્ત કરાયું હતું. જેથી આજે સહકારી ક્ષેત્રના માળખામાં ભાજપના જ નેતાઓ રાજ કરી રહ્યા છે. તેમાં પણ મોટાભાગના ભાજપના નેતાઓ અમિત શાહની ગૂડબુકમાં છે પણ કોણ જાણે કેમ સહકારી બેન્કો દ્વારા રૂ.૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ સ્વીકારવા પર આરબીઆઇ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આરબીઆઇના આ નિર્ણયથી જિલ્લા સહકારી બેન્કોની મુશ્કેલીઓ અનેકગણી વધી ગઇ છે. ગ્રામ્યકક્ષાનાં જીવનધોરણ પર પણ સીધી અસર થઇ છે છતાં આરબીઆઇ  પોતાનો નિર્ણય પાછો ખેંચવા સહમત થતી નથી. સહકારી આગેવાન અને પૂર્વ સહકાર પ્રધાન દિલીપ સંઘાણી, સાંસદ વિઠ્ઠલ રાદડિયા આ નિર્ણયથી ભારે નારાજ થયા છે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે સહકારી બેન્કો સામે આરબીઆઇને ફરિયાદો મળી હતી જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સહકારી બેન્કોમાં કાળું નાણું સફેદ કરવાની મોટી સ્કીમ ચાલતી હોય તેવી ચર્ચા સચિવાલયમાં ચાલી રહી છે. ભાજપના જ શાસકો સહકારી બેન્કોમાં હોવા છતાં પ્રતિબંધ મૂકવાની ઘટનાએ રાજકીય ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ અમિત શાહ અને કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલી વચ્ચે બીજા નંબર પર રહેવા માટેની સ્પર્ધાનું પરિણામ છે. તો કેટલાક લોકો હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે અંતર વધી રહ્યું હોવાની પણ ચર્ચા કરી રહ્યા છે અને તેના જ કારણે સહકારી બેન્કોમાં ભાજપના નેતાઓનું કાળું નાણું સફેદ ન થઇ શકે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

હાર્દિક પટેલ ફરી મેદાનમાં આવ્યો
રાજ્ય સરકાર સામે ત્રણ યુવા નેતાઓ પડ્યા છે. જેમાં ઠાકોર સમાજની આગેવાની  અલ્પેશ ઠાકોરે લીધી છે. અલ્પેશ ઠાકોરે વ્યસનમુક્તિને લઇને સરકાર સામે બાંયો ચઢાવી હતી. આખરે સરકાર તેને મનાવી લેવામાં સફળ થઇ છે એટલે અલ્પેશ ઠાકોર દ્વારા ચાલતું આંદોલન હાલપૂરતું બંધ થયું છે. હજુ પણ દલિત આંદોલન ચલાવી રહેલા જિગ્નેશ મેવાણી અને પાટીદાર અનામતનું આયોજન ચલાવી રહેલા હાર્દિક પટેલ મેદાનમાં રહ્યા છે. હાર્દિક પટેલને રાજસ્થાન મોકલી દીધા બાદ આંદોલન ધીમું પડી ગયું હતું. ગુજરાતમાં ‘પાસ’ની સીધી જવાબદારી સંભાળી શકે તેવા કોઇ નેતા રહ્યા ન હતા. એટલે સરકારને શાંતિ હતી પણ હવે હાર્દિક પુનઃમેદાનમાં આવી ગયો છે. તેણે પહેલાં નરેન્દ્ર મોદીની સ્ટાઇલથી ૩-ડી સભા મહિલાઓ માટે સંબોધી અને
ત્યારબાદ હવે અનામત મુદ્દે બીજી ૩-ડી સભા રવિવારે સંબોધી પોતે આંદોલન માટે મક્કમ હોવાનો સૂર પુરાવ્યો કર્યો છે.

પોતાના પ્રવચનમાં જાણે અરવિંદ કેજરીવાલની ‘આપ’ પાર્ટીનો પોતે માણસ ન હોવાનો આડકતરો ખુલાસો કરવાની જરૂરિયાત પણ લાગી. સાથે તેને સ્પષ્ટ રીતે  પાટીદારો દ્વારા હવે અનામત સાથે નોટબંધી બાદ સહકારી ક્ષેત્ર પરના બેંકિંગ પ્રતિબંધને જોડી આંદોલન કરવાની જાહેરાત પણ કરી દીધી છે. જેના કારણે ગ્રામ્યકક્ષાએ ભોગ બનેલા પાટીદારો પુનઃ હાર્દિક તરફ આવીને ઊભા રહે તેવી સ્થિતિ સર્જી શકાય.
http://sambhaavnews.com/

You might also like