ગુજરાત લાયન્સ પ્લે ઓફમાં, મુંબઇને છ વિકેટે આપ્યો પરાજય

કાનપુર : આઇપીએલમાં પ્રથમ વખત રમી રહેલી ગુજરાત લાયન્સની ટીમે ગત વર્ષની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને છ વિકેટે પરાજય આપીને સ્પર્ધાના પ્લેઓફમાં સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે. મુંબઇની ટીમે પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે 172 રન કર્યા હતા. 173 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ગુજરાતની ટીમે 13 બોલ બાકી રહેતા ચાર વિકેટ ગુમાવી 173 રન બનાવી મેચ જીતી લીધી હતી.

આ સાથે ગુજરાતની ટીમ નવ મેચ જીતી 18 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ નંબરે પહોંચી ગઇ છે. આ અગાઉ મુંબઇ તરફથી નિતિશ રાણાએ આક્રમક 70 રનનું યોગદાન કરતાં મુંબઇના આઠ વિકેટે 172 રન થયા હતા. મુંબઇ તરફથી રોહિતે 30, બટલરે 33 રનનું યોગદાન કર્યું હતું. ગુજરાત તરફથી ધવલ-સ્મિથે-બ્રાવોએ 2-2 વિકેટ ઝડપી હતી. ગુજરાતની શરૂઆત સારી રહી નહોતી. ઓપનર ફ્રિન્ચ શુન્ય રને આઉટ થઇ ગયો હતો.

પરંતુ ત્યારબાદ ગુજરાતના સુકાની રૈના અને મેક્કુલમે શાનદાર ઇનિંગ્સ રમી હતી. મેક્કુલમ 48 રન બનાવી હરભજનનો શિકાર બન્યો હતો. જ્યારે રૈનાને 58 રને બુમરાહે આઉટ કર્યો હતો. અંતમાં સ્મિથ અને સૌરાષ્ટ્રના રવિન્દ્ર જાડેજાએ સુંદર રમત દર્શાવતા ટીમને ભવ્ય વિજય અપાવી પ્લે ઓફ ગ્રુફમાં પહોંચાડી હતી. સ્મિથ 37 તેમજ જાડેજાએ 21 અણનમ રન કર્યા હતા.

You might also like