પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારોમાં પણ બંધનાં એલાનની નહિવત્ અસર

અમદાવાદ: પાટીદારોનાં જેલ ભરો આંદોલનમાં મહેસાણામાં પોલીસ દ્વારા કરાયેલા લાઠી ચાર્જના વિરોધમાં પાટીદાર નેતાઓએ આજે ગુજરાત બંધનું એલાન આપ્યું છે, પરંતુ આ ગુજરાત બંધનાં એલાનની અમદાવાદમાં નહીંવત અસર જોવા મળી રહી છે. સવારના ૧૧.૩૦ વાગ્યા સુધી મળતી માહિતી મુજબ સવારથી જ તમામ બજારો રાબેતા મુજબ ખૂલી ગયાં હતાં. બાળકો સ્કૂલે જતાં નજરે પડ્યાં હતાં. પાટીદાર નેતાઓ દ્વારા અપાયેલાં બંધને જાણે અમદાવાદની પ્રજાએ સાથ ન આપ્યો હોય તેમ રાબેતા મુજબ જનજીવન જોવા મળ્યું હતું. બંધને પગલે શહેરના પૂર્વ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
Nilol-Gam-(2)

પાટીદાર નેતાઓ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આ‍વ્યું છે ત્યારે આ બંધને લઇ અમદાવાદમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આજે સવારથી જ બંધ હોવા છતાં બજારો ખૂલ્યાં હતાં, લોકો પોતાના કામધંધે જતા નજરે પડ્યા હતા. બંધની અસર જોવા મળી નહોતી. વહેલી સવારથી જ બાળકો સ્કૂલે જતાં જોવાં મળ્યાં હતાં.
Nilol-Gam-(5)

શહેરના પૂર્વ વિસ્તારમાં પણ કોઇ જ અસર જોવા મળી ન હતી. બંધનાં એલાનને પગલે રામોલ, વસ્ત્રાલ વિસ્તારમાં આરએએફની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. લોકો સવારથી જ પોતાના કામ ધંધે વળગ્યા હતા. આ લખાય છે ત્યાં સુધી પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારો જેવા કે નિકોલ, રામોલ, બાપુનગર, ન્યૂ રાણીપ, ઘાટલોડિયા, નારણપુરા, વસ્ત્રાલ વગેરેમાં બંધની કોઇ જ અસર જોવા મળી નહોતી. જનજીવન સામાન્ય જોવા મળ્યું હતું. ઉપરાંત આણંદમાં પણ બંધની કોઇ જ અસર જોવા મળી નહોતી. ગુજરાત બંધનાં એલાનમાં અમદાવાદની પ્રજાએ સાથ સહકાર ન આપ્યો હોવાનું જોવા મળ્યું હતું.

You might also like