વસીમ-નઈમને આજે અમદાવાદ લવાશે

અમદાવાદ: રાજકોટમાંથી ઝડપાયેલા આઇએસઆઇએસ સાથે જોડાયેલા આતંકી ભાઇઓ વસીમ અને નઇમને ગઇ કાલે સાંજે ગુજરાત એટીએસની ટીમે સાથે રાખી રાજકોટ અને વાંકાનેર સહિતનાં સ્થળોએ તપાસ કરી હતી. આજ સાંજ સુધીમાં પોલીસ બંને આરોપીઓને અમદાવાદ એટીએસની ઓફિસે લાવશે. આજે ચોટીલા ખાતે રિકન્સ્ટ્રકશનની પણ શક્યતા જણાઇ રહી છે. આરોપી વસીમની પત્નીનો પણ આ કેસમાં રોલ હોવાનું સામે આવતાં એટીએસની એક ટીમ દ્વારા આજે શાહજીનની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ૧પ જાન્યુઆરીના રોજ વસીમ ચોટીલા ગયો હતો, પરંતુ ૧૦ કિલોમીટર બાકી હતા ત્યારે પકડાઇ જશે તેેવો ડર પેસતાં તે પરત ફર્યો હતો. બાદમાં બંને ભાઇઓ ભાવનગરમાં પણ ભેગા થયા હતા. ચોટીલાનો પ્લાન નિષ્ફળ જતાં તેઓએ ભાવનગરમાં વાહનોને સળગાવી દેવાનું નક્કી કર્યું હતું. બંને ભાઇઓએ ભાવનગરમાં વાહનોમાં પેટ્રોલ પણ છાંટી દીધું હતું, પરંતુ ફરી એક વાર તેઓ પકડાઇ જશે તેવો તેમને ડર લાગતાં વાહનોમાં આગ લગાવી શક્યા ન હતા.

આજે બંને ભાઇઓને અમદાવાદ ગુજરાત એટીએસ કચેરીમાં લાવી તેઓના અન્ય કોની કોની સાથે સંપર્ક છે, હેન્ડલર કોણ છે તેની પૂછપરછ કરવામાં આવશે. બીજી તરફ અગાઉ રાજસ્થાન એટીએસએ રાજસ્થાનમાંથી બે આઇએસઆઇએસના આતંકીઓને ઝડપી લીધા હતા. રાજસ્થાન એટીએસની તપાસમાં આરોપીઓ ગુજરાતમાંથી ઝડપાયેલા આરોપીઓ સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા, જેથી બંનેની પૂછપરછ માટે રાજસ્થાન એટીએસ અમદાવાદ ખાતે આવી શકે છે.

એટીએસનાં સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય એજન્સીઓના ઇનપુટ દ્વારા જાણવા મળ્યું હતું કે રાજ્યના કેટલાક યુવકો ઉત્તરપ્રદેશના હરદોઇથી ઝડપાયેલા મુફતી કાસિમના સંપર્કમાં હતા. ૧પથી વધુ યુવકોને એટીએસની ટીમ દ્વારા ઓળખવામાં આવ્યા હતા અને એટીએસ દ્વારા આ તમામ યુવકોના માતા-પિતાનો સંપર્ક કરી આઇએસઆઇએસ સાથે જોડાતા બચાવ્યા હતા. જે યુવકો સંપર્કમાં હતા તેમાંથી કેટલાક યુવકો શહેરના કોટ વિસ્તારના હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

એટીએસ દ્વારા બંને ભાઇઓના માતા-પિતા અને પત્નીના નિવેદન નોંધવામાં આવ્યાં હતાં. વધુ પૂછપરછ માટે ફરી વાર તેઓને એટીએસ કચેરી ખાતે પણ બોલાવવામાં આવશે. આશરે દોઢ કલાક સુધી વસીમની પત્નીની પૂછપરછ કરવામાં આવી હતી. વસીમે જ્યાંથી ફટાકડા ખરીદ્યા હતા તેના માલિકની પણ એટીએસએ પૂછપરછ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like