૮૭ લાખના એમડી ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ

અમદાવાદ: ગુજરાત એટીએસ દ્વારા થોડા સમય અગાઉ નરોડા વિસ્તારમાંથી કરોડોનો ડ્રગ્સ બનાવવાનો માદક પદાર્થ એફેડ્રિન ઝડપી ઇન્ટરનેશનલ ડ્રગ્સ કૌભાંડનો પદાફાર્શ કર્યો હતો. ફરી એકવાર ગુજરાત એટીએસે નવસારી-ચિખલી હાઇવે પરથી પાર્ટી ડ્રગ્સ કહેવાતા એમ.ડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. રૂ. ૮૭ લાખની કિંમતનું આ ડ્રગ્સ મુંબઇથી ગુજરાતમાં લવાતું હતું. પોલીસે હાથ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદથી ઇન્ટરનેશનલ ડ્રગ્સ કૌભાંડ ઝડપ્યા બાદ ગુજરાત એટીએસ દ્વારા સોલાપુરમાં આવેલી ફેકટરીમાંથી ડ્રગ્સ આવ્યું હોવાથી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરતાં ર૦૦૦ કરોડથી વધુનું એમ.ડી. ડ્રગ્સ મહારાષ્ટ્ર પોલીસે ઝડપ્યું હતું. એટીએસ દ્વારા ડ્રગ્સ મામલે ધરપકડ કરાયેલા જય મુખી અને મનોજ જૈનની પૂછપરછ કરાઇ હતી જેમાં અનેક ખુલાસા થયા હતા.

દરમ્યાનમાં ગુજરાત એટીએસની ટીમને મળેલી બાતમી આધારે ગત મોડી રાત્રે પીએસઆઇ જાદવ અને ટીમે નવસારી-ચિખલી હાઇવે પર વોચ ગોઠવી આરોપી ગૌરાંગ વીરજીભાઇ ટંડેલ (ગામ રહે.કખવારી, જિલ્લો વલસાડ), નિમેષ જયંતીભાઇ પટેલ (રહે. હાલર પટેલ વાસ, વલસાડ), ભાવેશ ઇશ્વરભાઇ પટેલ (રહે.વરગામ, નવસારી) નામના ત્રણ આરોપીઓને રૂ.૮૭ લાખના એમ.ડી. ડ્રગ્સ અને બે વાહનો સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ આ ડ્રગ્સ મુંબઇના ભાયખલાથી નિગ્રો જેવી વ્યક્તિ પાસેથી આ એમ.ડી. ડ્રગ્સ લાવ્યા હતા. હાલમાં એટીએસે આ ડ્રગ્સ ક્યાં આપવાનું હતું તે બાબતે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

You might also like