રવિ પૂજારીના શાર્પ શૂટર સહિત ચારની ગુજરાત એટીએસએ ધરપકડ કરી

અમદાવાદ: આણંદ જિલ્લાના બોરસદના અપક્ષ કોર્પોરેટર પ્રજ્ઞેશ પટેલ પર પાંચેક દિવસ અગાઉ થયેલા ફાયરિંગ કેસમાં સોપારી કિલીંગનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસએ રવિ પૂજારીના શાર્પ શૂટર સહિત ચાર શખ્સની ધરપકડ કરી છે.

કેબલના ધંધાની અદાવતમાં બોરસદના શ્યામગીરી અને ઘનશ્યામગીરી નામના શખ્સે રવિ પૂજારીને પ્રજ્ઞેશ પટેલની હત્યાની સોપારી આપી હતી અને રવિ પૂજારીના શાર્પ શૂટર તથા અન્ય માણસોએ પ્રજ્ઞેશ પટેલ પર ઉત્તરાયણના આગલા દિવસે ફાયરિંગ કર્યું હતું. બોરસદના અપક્ષ કોર્પોરેટર પ્રજ્ઞેશ પટેલ ૧૩ જાન્યુઆરીના રોજ આણંદ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ પ્રજ્ઞેશ પટેલ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને પ્રથમ તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડયા હતા. કોર્પોરેટર પર હુમલો થતાં સ્થાનિક પોલીસ, એલસીબી, રેન્જ આઇજી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

દરમિયાનમાં આણંદના એક બિલ્ડરને રવિ પૂજારી દ્વારા ધમકી આપવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમે પણ આ કેસમાં તપાસ કરી હતી અને રવિ પૂજારીની ગેંગ હોવાનું બહાર આવતાં પોલીસે પૂજારીની ગેંગના એક શાર્પ શૂટર સહિત ચારની ગત મોડી રાત્રે અટકાયત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રજ્ઞેશ પટેલ અને શ્યામગીરી નામના વ્યકિત વચ્ચે કેબલના ધંધાને લઇને કેટલાય સમયથી અદાવત ચાલી રહી છે. આ અદાવતને લઇ રવિ પૂજારીને સોપારી આપવામાં આવી હતી. પ્રજ્ઞેશ પટેલની હત્યા કરવા માટે મૂળ તામિલનાડુનો રહેવાસી શાર્પ શૂટર મુંબઈથી બોરસદ અાવ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like