વિધાનસભાનાં સત્રનો પ્રારંભ: કાલે બજેટ રજૂ થશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો અાજથી પ્રારંભ થયો છે. અા બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ અોમ પ્રકાશ કોહલીનાં પ્રવચન બાદ શોક ઠરાવો રજૂ કરાયા હતા. જેમાં કોંગ્રેસના સભ્ય અને પૂર્વ મંત્રી જશુભાઈ બારડ સહિતના સભ્યોને શોકાંજલિ અાપવામાં અાવી હતી. અાવતી કાલે બજેટ સત્રમાં નાણાંમંત્રી સૌરભ પટેલ રાજ્યનું બજેટ રજૂ કરશે.

ગુજરાતની તેરમી વિધાનસભાનું આઠમું સત્ર અાજથી 31મી માર્ચ સુધીનું રહેશે. સત્રના પ્રારંભે રાજ્યપાલ અોમ પ્રકાશ કોહલી દ્વારા પ્રવચન કરાયું હતું. રાજ્યપાલનાં પ્રવચન બાદ કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય જશુભાઇ બારડનું અવસાન થયું હોવાથી તેમનો શોક ઠરાવ રજૂ કરાયો હતો. ત્યાર બાદ બેઠકને મુલતવી રાખી હતી. અાવતી કાલે બીજા દિવસે નાણામંત્રી સૌરભ પટેલ બજેટ રજૂ કરશે.

અા બજેટ સત્રમાં કોંગ્રેસ દ્વારા પાટીદાર આંદોલનના પગલે બિન અનામત વર્ગ માટે અનામત રજૂ કરતું ખાનગી બિલ રજૂ કરાશે. બજેટ પછી ત્રણ સુધારા વિધેયક સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન, કૃષિ, પાણી, મોંઘવારી, ભ્રષ્ટાચારના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરવામાં અાવશે.

You might also like