ગુજરાતના સૌરાષ્ટ્રમાં આજે ખરાખરીનો જંગઃ PM મોદી, રાહુલ ગાંધી, હાર્દિક પટેલ સભાઓ ગજવશે

ગુજરાતમાં ચૂંટણીનું ઘમાસાણ પોતાની અંતિમ સીમાએ પહોંચી ગયું છે. તમામ પક્ષો જીતવા માટેના તમામ દાંવપેચ લડવા માટે તૈયાર છે. એવામાં સોમવારે સૌરાષ્ટ્રમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સામસામે આવી રહ્યા છે.

આજે વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન આજે સૌરાષ્ટ્રમાં 4 રેલીઓને સંબોધિત કરશે. રાહુલ ગાંધી પણ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. બીજી તરફ પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ બુધવારથી ચૂંટણીના પ્રચારમાં જોડાશે અને મોરબીના ખેડૂતો વચ્ચે સામેલ થશે.

વડાપ્રધાન મોદી પોતાના પ્રવાસની શરૂઆત મોરબીથી કરવાના છે. સવારે 9 વાગ્યે પ્રધાનમંત્રી મોરબી ખાતે જનસભાને સંબોધિત કરવાના છે. ત્યાર બાદ સવારે 11 તેઓ સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે પહોંચશે. પ્રાચીથી પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના દર્શને જાય તેવી પણ શકયતાઓ છે. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદી બપોરે 1.30 વાગ્યે પાલિતાણા ખાતે રેલીને સંબોધીત કરવાના છે અને બપોરે 3.30 વાગ્યે નવસારી ખાતે જનસભાને સંબોધિત કરશે. ત્યાંથી સીધા દિલ્લી જવા માટે રવાના થશે.

રાહુલ ગાંધી પણ આજે સોમનાથ મંદિરના દર્શન કરી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. તેઓ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સભાને સંબોધિત કરશે. આ દરમ્યાન તેઓ એક રોડ શૉ કરશે અને અમરેલીમાં રેલી પણ કાઢશે.

બીજી તરફ કોંગ્રેસને સપોર્ટ કરી રહેલા પાસના કન્વીનર હાર્દિક પટેલ પણ આજે પ્રચાર માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. તે મોરબીમાં ખેડૂતોની સભાને સંબોધન કરશે. તેના બાદ મોરબીમાં જ ‘ચાય પે ચર્ચા’ અને ‘ચોક પે ચર્ચા’ કરશે.

You might also like