ગુજરાત વિધાનસભાની અાગામી ચૂંટણીમાં પૂંઠાના બદલે ફાઈબરની મત કુટિર હશે

અમદાવાદ: રાજ્યમાં ડિસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં પહેલી વાર ફાઇબરના વોટ બોક્સ (મત કુટિર) ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવાયો છે. કોઈ પણ ચૂંટણીમાં વપરાતા પૂંઠાના ખાખી બોક્સનું સ્થાન હવે ફાઇબરની મત કુટિર લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે તાજેતરમાં જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં દરેક વિધાનસભા બેઠકદીઠ એક મહિલા મતદાન મથક કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. પહેલી વાર આ ચૂંટણીમાં મહિલાઓ માટે અલગ મતદાન કેન્દ્ર હશે. તેવી જ રીતે પહેલી વાર હવે અત્યાર સુધી ટેબલ પર ઊભા કરવામાં આવતા પૂંઠાની મતદાન કુટિર ઈતિહાસ બની જશે.

ફાઇબરના કુટિર માટે ઓર્ડર અપાઈ ચૂક્યા હોવાનું જાણવા મળે છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે ૫૦,૧૨૮ બૂથ પર મતદાન યોજાશે. તમામ બૂથમાં પહેલી વાર વીવીપેટ મશીન ઉપયોગમાં લેવાશે. વીવીપેટ મશીન દ્વારા મતદારે કોને મત આપ્યો તેની પ્રિન્ટ નીકળશે.

You might also like