એલર્ટના કારણે નીચલી કોર્ટની કાર્યવાહી ખોરવાઈ

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતમાં 10 આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના પગલે આપવામાં આવેલ હાઈ એલર્ટના લીધે શહેરની પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહી છે ત્યારે શહેરની સેશન્સ, જિલ્લા અને મેટ્રોપો‌િલટન કોર્ટોમાં જેલમાંથી કેદીઓને મુદતે લઈ જવામાં આવ્યા નહોતા, જેના લીધે તમામ કેસોમાં મુદતો પડી ગઈ હતી, એટલું જ નહીં પોલીસ પેપર રજૂ નહીં થઈ શકતાં જામીન અરજીઓમાં વકીલોએ મુદતો મેળવી લીધી હતી. આમ, શહેરની કોર્ટોનું કામકાજ ગઈ કાલે ચાલી શકયું નહોતું.

ઉલ્લેખનીય છે કે શહેરમાં ધાર્મિક તહેવાર કે પોલીસ દ્વારા એલર્ટ આપવામાં આવે એટલે શહેર પોલીસ દ્વારા જેલમાં કેદી જાપ્તો મોકલવામાં આવતો નથી, જેના લીધે નીચલી કોર્ટોમાં મુદતો પડતી હોય છે.  શહેર પોલીસ દ્વારા આપવામાં આવેલ હાઈ એલર્ટના પગલે હેડકવાર્ટર્સના તમામ પોલીસ ફોર્સનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ ગઈ કાલે સાબરમતી જેલમાં કેદી જાપ્તો નહીં મોકલવાના લીધે કેદીઓે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નહોતા, જેના લીધે સેશન્સ, જિલ્લા અને મેટ્રોપો‌િલટન કોર્ટોમાં મુદતો પડી ગઈ હતી.

જ્યારે જામીનઅરજીઓમાં શહેર પોલીસ દ્વારા કેસ પેપર રજૂ ના કરી શકવાને લીધે વકીલો મુદતો મેળવીને જતા રહ્યા હતા. બપોરના બાર વાગ્યે કેસોમાં મુદતો પડી ગઈ હોવાથી કોર્ટોમાં વકીલો અને અસીલો નહીંવત્ જોવા મળ્યા હતા. વકીલોના જણાવ્યા મુજબ કોર્ટમાં પોલીસ જાપ્તો અલગ રાખવો જોઈએ કારણ કે વાર-તહેવારમાં હેડ કવાર્ટર્સની પોલીસને બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે, જેના લીધે કોર્ટોમાં કેસો ચાલતા નથી અને કેસોમાં ભરાવો થતો જાય છે.

You might also like