રવિવાર સુધી અમદાવાદ ભઠ્ઠી બની રહેશે, ગરમીનો પારો ૪૬ ડિગ્રી થવાની ગૂગલ વેધરની આગાહી!

અમદાવાદ: અમદાવાદમાં ત્વચાને દઝાડતી ગરમીએ કાળો કેર વર્તાવવા લીધો છે. બપોરના સમયે તો આપોઆપ ‘ગરમી કરફયુ’ લાગી જાય છે. આ સંજોગોમાં ગૂગલ વેધર દ્વારા આગામી શનિ-રવિએ ગરમીનો પારો ૪૬ ડિગ્રીએ જવાની આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગે ૪૪ ડિગ્રી ગરમીનો વર્તારો કર્યો છે, જોકે છેલ્લાં બે અઠવાડિયાંથી ગૂગલની આગાહી મહદંશે સાચી પડતી રહી છે, આને જોતાં હજુ અઠવાડિયું ભીષણ ગરમીનું જોર રહેશે.

શહેરીજનોને કાળઝાળ ગરમી સામે રક્ષણ આપવા કોર્પોરેશને હીટ એકશન પ્લાન અમલમાં મૂક્યો છે, જે અંતર્ગત ઊબકા-ઊલટી થવી, અળાઇઓ થવી, ખૂબ પરસેવો અને અશક્તિ લાગવી, માથાનો દુખાવો કે ચક્કર આવવા, ચામડી લાલ અને સૂકી થઇને ચક્કર આવવા જેવાં લક્ષણોને હીટ સ્ટ્રોકનાં લક્ષણો તરીકે ઓળખાવીને તત્કાળ ડોક્ટરની સલાહ લેવાની અપીલ કરી છે.

દરમિયાન ગૂગલે આજે ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ, આવતી કાલે ૪પ ડિગ્રીએ અને શુક્ર-શનિ ૪૬ ડિગ્રીએ પહોંચવાની આગાહી કરીને સૌને ચોંકાવી દીધા છે, જોકે સ્થાનિક હવામાન વિભાગની કચેરીએ શુક્ર-શનિએ ૪૪ ડિગ્રી ગરમીની શક્યતા દર્શાવી છે એટલે હવામાનખાતાની દૃષ્ટિએ અમદાવાદમાં હીટવેવની સંભાવના નથી.

આ દિવસોમાં અમદાવાદમાં ગરમીનો પારો ૪ર ડિગ્રીએ રહેતો હોય છે તેમ પણ હવામાન વિભાગ જણાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં દશ વર્ષની મે મહિનાની ગરમીનો રેકોર્ડ ૪૪.૬ ડિગ્રી સે. મહત્તમ તાપમાન છે, જે ગત તા.૧૬, ૧૭ મે-ર૦૧૦એ નોંધાયો હતો. જ્યારે મે મહિનાની ગરમીનો ઓલટાઇમ રેકોર્ડ ગત તા.ર૭ મે, ૧૯પ૮નો ૪૬.ર ડિગ્રી સેલ્સિયસનો છે.

દરમિયાન અમદાવાદમાં જે પ્રકારે ગરમીની તીવ્રતામાં વધારો થઇ રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં મે મહિનાની ગરમીનો ૪૬.ર ડિગ્રીનો પ૮ વર્ષનો ઓલટાઇમ રેકોર્ડ તૂટે તેવી પૂરેપૂરી શક્યતા છે.

You might also like