અનામત આકાશ કે પાતાળમાંથી મળી શકે ખરી?

અનામત આકાશ કે પાતાળમાંથી મળી શકે ખરી?

ગુજરાતમાં છેલ્લા એક – દોઢ વર્ષથી અનામતનો મુદ્દો ખૂબ ગાજયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિનું નેતૃત્વ કન્વીનર હાર્દિક પટેલ કરી રહ્યા છે. હાર્દિક અનામતનાં મુદ્દે અડગ છે તેમણે વધુ એક વખત એવું કહ્યું છે કે આકાશમાંથી આપો કે પાતાળમાંથી અમને અનામત મળવી જોઈએ. કૉંગ્રેસ પણ હવે હાર્દિકના આ સવાલોનો શું જવાબ આપવો એ અંગે મૂંઝવણમાં મુકાઈ ગઈ છે કારણ કે બંધારણીય રીતે અનામત આપી શકાય તેમ નથી. ચૂંટણી માથે છે ત્યારે જોઈએ અનામતનાં મામલે હવે કેવા કેવા રસ્તાઓ અપનાવવામાં આવે છે?

 

ગુજરાતમાં દોઢેક વર્ષ પહેલા જયારે અનામત આંદોલનની ચીનગારી ઉત્તર ગુજરાતમાંથી ઉઠી ત્યારે કોઈને અંદાજ ન હતો કે આ આંદોલન આટલું લાંબુ ચાલશે. હાર્દિક પટેલ અને તેની ટીમને સમાજના યુવાનો માટેનો આ મહત્વનો મુદ્દો હોઇ સમાજમાંથી સતત ટેકો મળતો ગયો. સમાજની એક માંગણી એક મોટા આંદોલનમાં ફેરવાઈ ગઈ પણ પછી ધીરે ધીરે તેમાં રાજકીય રંગ ભળતો ગયો હોવાનું બહાર આવતા અનામતની મુખ્ય માગણીની સાથે આક્ષેપો – પ્રતિઆક્ષેપો શરૃ થયા. અનામત આંદોલનની શરૃઆતનાં તબક્કે સમાજ પર એવી અસર રહી કે આનંદીબહેનની સરકારનો ભોગ લેવાયો. આંદોલન સમયે જયારે આનંદીબહેન પટેલ મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે પાટીદારોને બંધારણીય રીતે અનામત મળી શકે તેમ નથી પણ તેમની આ વાત આંદોલનકારીઓને ગળે ઉતરી નહીં અને આંદોલન ચાલુ રાખ્યું હતું.

હવે વિધાનસભાની ચૂંટણી આંગણે આવીને ઉભી રહી છે અને આંદોલનનો રાજકીય લાભ લેવા માટે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે હાર્દિક પટેલે રાજકોટમાં પત્રકારો સમક્ષ એવું કહ્યું છે કે આકાશમાંથી આપો કે પાતાળમાંથી આપો અમારે તો અનામત જોઈએ છે કેવી રીતે આપવી તે સરકારનો વિષય છે. જેમ બીજા સમાજને લાભ મળે છે તેમ પાટીદારને પણ આ લાભ મળવો જોઈએ. હાર્દિકનાં આવા નિવેદનથી ફરી એકવાર અનામતને લઈને ચર્ચા છેડાઈ છે. એક મોટો વર્ગ એવું દૃઢપણે માને છે કે અનામત માટે કેટલીક કાયદાકીય અને બંધારણીય જોગવાઈઓ હોય છે હાર્દિક જે રીતેે વાત કરે છે તેમ અનામત આપી શકાતી નથી અને એટલી આસાન પણ નથી. બંધારણીય રીતે ૪૯ ટકાથી વધુ અનામત આપી શકાય તેમ નથી. આ કવોટા પૂરો થઈ ગયો છે હવે કોઈનાં કવોટામાંથી કાપ મૂકીને પણ પાટીદારોને અનામત આપી શકાય તેમ નથી. બીજંુ એક માત્ર પાટીદારોને અનામતનો લાભ કોઈપણ સરકાર આપી શકે નહીં અન્ય જે સવર્ણો છે તેમને પણ લાભ આપવો પડે આમ આ મુદ્દો પેચીદો બન્યો છે.

કૉંગ્રેસનાં નેતાઓએ પાસની ટીમ સાથે  તા. ૩૦ ઑકટોબરે બેઠક કરી તેમાં પણ પાસ તરફથી મુખ્ય પાંચ માગણીઓ મૂકવામાં આવી હતી તેમાંથી ચાર માગણીઓ સ્વીકારી લેવામાં આવી હતી પણ અનામત કેવી રીતે આપવી તે મુદ્દે કૉંગ્રેસનાં નેતાઓએ તત્કાળ જવાબ આપ્યો ન હતો અને કાયદાકીય નિષ્ણાતો સાથે આ મામલે ચર્ચા કર્યા બાદ આ અંગે પક્ષ નિર્ણય લેશે તેવો જવાબ આપ્યો હતો. કૉંગ્રેસ હવે આ મામલે કપિલ સિબ્બલ સહિતનાં પક્ષ સાથે જોડાયેલા અને વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સાથે નજીકનાં દિવસોમાં જ બેઠક કરીને બંધારણીય રીતે અનામત આપવી શકય છે કે નહીં તે મામલે ચર્ચા કરશે. રાજસ્થાનમાં ગુર્જરોને જે રીતે અનામત આપવામાં આવી તે રીતે શકય છે કે નહીં તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

અગાઉ રાજયમાં મુખ્યમંત્રી આનંદીબહેને ૧૦ ટકા ઈબીસીની જાહેરાત કરી હતી તેના પર પણ હાઈકોર્ટે રોક લગાવી દીધી હતી ત્યારે બંધારણીય રીતે અનામત આપવાનાં મુદ્દે કોઈ રસ્તો નથી તેવું સરકારમાં બેઠેલાઓ માની રહ્યા છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તો ત્યાં સુધી કહ્યું છે કે સરકાર અને પાસ હવે પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. કૉંગ્રેસ હવે જવાબ આપે કે પાટીદારોને ઓબીસીમાં સમાવીને અનામત આપશે કે કેમ ? ભાજપ સરકારે બિનઅનામત વર્ગો માટે આયોગ અને નિગમની રચના કરી છે તે બંધારણીય રીતે જ કરી છે તેનાં જરૃરી નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યા છે. ટૂંકમા સરકાર જેટલું કરી શકતી હતી તેટલું આ મામલામાં કર્યું છે.

હાર્દિક અને તેની ટીમ જો કે કૉંગ્રેસ તરફ નરમ વલણ અપનાવીને હજુ ભાજપ સરકારની જાહેરાતો અને વચનોને લોલીપોપ જ માને છે. હાર્દિકને કૉંગ્રેસની વાત પર વિશ્વાસ છે. હાર્દિક પર આક્ષેપો થતા હવે તે કહે છે કે કૉંગ્રેસ અમારી માઈ – બાપ કે ભાજપ અમારા માટે દુશ્મન નથી અમારી માગણી જે સ્વીકારે તેમને અમારો ટેકો છે. ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે રાજયમાં રાજકીય માહોલ ગરમ બન્યો છે તેવા સમયે જ અનામતને લઈને પણ ચર્ચા છેડાઈ છે. અત્યાર સુધી અનામત આપવાનાં મામલે ભાજપ સરકાર સવાલોનો સામનો કરી રહી હતી હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે પાસની ટીમ કૉંગ્રેસ તરફ ઝૂકતા હવે પાટીદારોને કેવી રીતે અનામત આપશો? તે સવાલોનો સામનો કરવાનો સમય કૉંગ્રેસ માટે આવ્યો છે. ચૂંટણી સમયે હવે કોઈપણ ભોગે પાટીદારોને ખુશ રાખવા છે અને બીજું ઓબીસી કે અન્ય પછાત વર્ગને નારાજ કરવાનું પોસાય તેમ નથી. કેન્દ્ર કે રાજયમાં તેની સરકાર નથી એટલે ગૃહમાં બિલ લાવીને પણ કાયદાકીય રીતે પણ તરત જ કોઈ નિર્ણય લઈ શકાય તેમ નથી. કૉંગ્રેસ માટે પણ આ કોકડું ગૂંચવાયેલું છે ત્યારે આ સંજોગોમાં કૉંગ્રેસ પણ અનામત આપવાનાં મુદ્દે કેવું વલણ અપનાવે છે તેના પર દરેકની નજર મંડાયેલી છે.

બીજી તરફ જોઈએ તો પાટીદાર અનામત આંદોલન સમિતિની ધાર એક વર્ષ પહેલા હતી તેવી હવે રહી નથી ખુદ પાસની ટીમમાં ભાગલા પડ્યા છે. એક સમયે હાર્દિકની સાથે મંચ પરથી અનામતને લઈને સરકાર અને ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કરનારામાંથી રેશ્મા અને વરુણ પટેલ જેવા સાથીદારોએ હાર્દિકનો સાથ છોડી દીધો છે. સવાલ એ પણ છે કે હવે ચૂંટણીનાં સમયે જ હાર્દિક પટેલ કૉંગ્રેસ તરફ ઝૂકતા સમાજમાંથી તેને કેવો સપોર્ટ મળે છે. આ આંદોલન બિન રાજકીય છે તેવું અગાઉ મંચ પરથી કહેવાયું હતું. હવે આંદોલનનો રાજકીય લાભ લેવાની કવાયત શરૃ થઈ છે તે મુદ્દે પણ ખુદ પાટીદારોમાં ચણભણાટ શરૃ થયો છે. કેટલાક જાહેરમાં આવ્યા છે તો કેટલાક હજુ આવ્યા નથી. જો કે એક મોટો વર્ગ એવું જરૃર માની રહ્યો છે કે ભાજપ સરકાર અને નેતાઓએ અનામત આંદોલનને શરૃઆતનાં તબક્કે જ યોગ્ય રીતે હેન્ડલ ના કર્યુ તેનું આ પરિણામ છે જે રાજકીય રીતે ભાજપને નડી રહ્યું છે અને હવે ચૂંટણી માથે છે ત્યારે તેનું ડેમેજ કંટ્રોલ કરવું એ ખૂબ મહેનત માગી લે તેવું કામ છે. ટૂંકમા ભાજપ બાદ હવે કૉંગ્રેસ માટે અનામતને લઈને અગ્નિ પરીક્ષા આપવાનો આ સમય આવી ગયો છે.

દેવેન્દ્ર જાની અભિયાન મેગેઝિનના એસોસિએટ એડીટર છે.

તેમનું મેઇલ આઇડીઃ

devendrajani.abhiyaan@gmail.com

————————-.

You might also like