ગાંધીનગરને માર્ચ ૨૦૧૬ સુધીમાં વાઈ-ફાઈ સિટી બનાવવાની આનંદીબહેનની જાહેરાત

અમદાવાદ: રાજ્યના છ મહાનગરોને સ્માર્ટ સિટી હેઠળ સાંકળી લેવામાં ગાંધીનગરથી શરૂઆત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે અમદાવાદમાં કેડાઈ ગુજકોન એકસ્પો ૨૦૧૫નું ઉદ્ઘાટન કરતા પાટનગર ગાંધીનગરને માર્ચ ૨૦૧૬ સુધીમાં વાઈ-ફાઈ સિટી બનાવવાની પણ જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે અમદાવાદ ખાતે કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા કેડાઈની ગુજરાત શાખા દ્વારા યોજાઈ રહેલા ગુજકોન એકસ્પો-૨૦૧૫નું ઉદ્ઘાટન કરતા વધુમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ બેન્ક દ્વારા થયેલા સર્વેમાં ગુજરાતને ઈમી ઓફ ડુઈંગ બિઝનેસમાં અગ્રીમ ક્રમ આપવામાં આવ્યો છે. સિંગલ વિન્ડો સિસ્ટમની સરળ પદ્ધતિ પણ મુલ્યાંકનમાં શ્રેષ્ઠ પુરવાર થઈ છે.

હવે આપણે સરળીકરણને વધુ લોકાભિમુખ બનાવી આ ઓનલાઈન એપ્લિકેશન અને ઓનલાઈન એપ્રૂવલની પારદર્શી સિસ્ટમ શરૂ કરવી છે. આવી એપ્લિકેશન – એપ્રૂવલની કાર્યપદ્ધતિની સર્વગ્રાહી સમીક્ષા મૂલ્યાંકન મુખ્યમંત્રી કાર્યાલયમાં કરીને કાર્યમાં ગતિ લાવીશું. બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌ વેસ્ટ વોટર, ઘન કચરો અને બિલ્ડિંગ મટિરિયલ્સના રિસાયકલિંગની પર્યાવરણપ્રિય ટેકનોલોજી અપનાવી તે સમયની માંગ છે. રાજ્યમાં એફોર્ડેબલ હાઉસિંગ, એલઆઈજી. સ્લમ રિહેબિલિટેશન વગેરે પોલિસી યોજનામાં આવી રિસાયકલિંગ ટેકનોલોજી ઉપયુક્ત બનશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ બાંધકામ નિર્માણ ક્ષેત્રના અગ્રણીઓ અને એસ્ટેટ ડેવલપ્રસને તેમના નિર્માણ કાર્યોમાં માનવતાની દ્રષ્ટિ રાખીને લોકોના જીવન સાથે ચેડાં ન થાય તેની કાળજી રાખવાની હાર્દભરી અપીલ કરી હતી. નિયમોનું ઉલ્લંઘન ન થાય અને સામાન્ય માનવીનું હિત સુરક્ષા સચવાય તેની તાકીદ પણ તેમણે બાંધકામ ઉદ્યોગ-એસ્ટેટ ડેવલપર્સના અગ્રણીઓને આ અવસરે કરી હતી.

આનંદીબહેન પટેલે ટી.પી.ડી.પી. સ્કીમ અને કાચા કબજાની જમીનના વરસો જૂના પ્રશ્નોનું સૂચારું નિવારવા આ સરકાર ગતિશીલતાથી લાવી છે. તેની ભૂમિકા આપતાં કહ્યું કે, બે વર્ષમાં ૨૦૦થી અધિક ટી.પી. યોજનાઓ મંજૂર કરી છે. સરકારે બિલ્ડર્સ-એસ્ટેટ ડેવલપર્સ સાથોસાથ ખેડૂતો-જનસામાન્યના હિતોને પણ અહેમિયત આપી છે. સહકારી મંડળીઓ ખેડૂત મંડળીઓ, ગ્રામીણ મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓ વગેરેને પણ સરળતાથી રાહતદરે અને ટોકન ભાવે જમીન આ સરકારે આપી છે.

મુખ્યમંત્રીએ બાંધકામ ક્ષેત્રે કાર્યરત અસંગઠિત કામદારો-મજૂર વર્ગોના બાળકો મહિલાઓ આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા-સ્વસ્થતાં માટે પણ બિલ્ડર્સ-એસ્ટેટ ડેવલપર્સ સહયોગ કરે તેવી અપીલ કરી હતી. તેમણે રિયલ એસ્ટેટ ડેવલપર્સની સમસ્યાઓ- પ્રશ્નોના ચર્ચા-મંથન વિચારણા માટે પરસ્પર બેઠકના આયોજનની તત્પરતા દર્શાવી હતી. પ્રારંભમાં ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ શેરીફ મેમણે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. ક્રેડાઈ ગુજરાતના અધ્યક્ષ વેલજીભાઈ શેતાએ રિયલ એસ્ટેટ અને બાંધકામ ઉદ્યોગના કેટલાક પડતર પ્રશ્નોના નિવારણ માટે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો. ક્રેડાઈ નેશનલ પ્રેસિડેન્ટ ગીતામ્બર આનંદ અને ઈરફાન રઝાકે અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત સરકારના સકારાત્મક અભિગમની સરાહના કરી હતી.

આ અવસરે ક્રેડાઈ ગુજરાતના જક્ષય શાહ, શેખર પટેલ, ધ્રુવ પટેલ, ઉમંગ ઠક્કર, બોમન ઈરાની તથા સેન્ટ્રલ, વેસ્ટ, સાઉથ અને નોર્થ ઝોનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિદિવસીય મેગા એકસ્પોમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને બાધકામ ઉદ્યોગના રાજ્યભરના તેમજ અન્ય રાજ્યોના મળીને ૭૦૦ ઉપરાંત ડેલિગેટ્સ વિવિધ સત્રોમાં ચર્ચા-મંથન કરવાના છે.

You might also like