આજે ભારત-ઈઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાઃ બંને દેશ વચ્ચે નવ કરાર થશે

નવી દિલ્હી: ભારતના છ દિવસના પ્રવાસે આવેલા ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ભારતને પોતાના દેશના ખાસ મિત્ર તરીકે ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક મહાન નેતા તરીકે ઈજ્જત કરું છું. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાશે અને નવ સમજૂતીઓ થશે. તેનાથી બંને દેશ વચ્ચેના ૨૫ વર્ષ જૂના રાજદ્વારી સંબંધો વધુ સુદૃઢ બનશે.

ઈઝારયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ભારત સાથેના પોતાના દેશના સંબંધોને સ્વર્ગમાં રચાયેલ ગઠબંધન તરીકે ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારત-ઈઝરાયેલના સંબંધો સ્વર્ગમાં બનેલી જોડી જેવા છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં માત્ર એક નકારાત્મક વોટથી ભારત-ઈઝરાયેલી સંબંધોના સમીકરણો બદલાઈ શકે નહીં.

પાકિસ્તાનમાં બેરોકટોક ઘૂમી રહેલા આતંકી હાફિઝ સઈદ અંગે બેન્જામિન નેતન્યાહુએ કડક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે હત્યારાઓને પકડવામાં સફળ રહીશું. અમારો હેતુ ભારતમાં કૃષિ ક્ષેત્રની પ્રગતિ કરવાનો છે. હવે ખેતરોમાં ડ્રોન ઊડશે અને ખેડૂતોને પણ ડ્રોન મદદરૂપ થશે. એટલું જ ભારત સાથેના સંરક્ષણ સંબંધોને આડે રહેલા તમામ અવરોધો દૂર થશે.

બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે અમે ઈઝરાયલ અને મહત્ત્વની વિશ્વ સત્તા ભારત સાથેના સંબંધો મજબૂત કરવા માગીએ છીએ. અમે સુરક્ષા, અર્થતંત્ર, વ્યાપાર, વાણિજ્ય, પ્રવાસન અને અન્ય ક્ષેત્રમાં મદદ કરતા રહીશું.

ભારત-ઈઝરાયેલ વચ્ચે આજે મહત્ત્વના કરારો થશે
૧. ભારત-ઈઝરાયેલ વચ્ચે પ્રથમવાર ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં રોકાણ અંગેના કરાર થશે.
૨. ઈઝરાયેલ રિન્યુએબલ એનર્જીમાં ભારતીય કંપનીઓને શ્રેષ્ઠ ટેકનોલોજી આપવા કરાર કરશે.
૩. બંને દેશ વચ્ચે ઉડ્ડયન ક્ષેત્રે મહત્ત્વના કરારો થશે.
૪. જુલાઈ ૨૦૧૭માં પીએમ મોદીના ઈઝરાયેલ પ્રવાસ દરમિયાન થયેલ સાઈબર સિક્યોરિટી કરારને વધુ વ્યાપક બનાવાશે.
૫. અંતરિક્ષ સંશોધન અને ઔદ્યોગિક રિસર્ચમાં પણ બે નવી સમજૂતી થશે.
૬. ભારત-ઈઝરાયેલ ફિલ્મનાં શૂટિંગને પ્રોત્સાહિત કરવા સમજૂતી કરશે.
૭. એકબીજાના રોકાણકારોને પ્રોત્સાહન અને રક્ષણ આપવા કરાર થશે.
૮. બંને દેશોના વડા પ્રધાન આતંકવાદ વિરુદ્ધ સંયુક્ત નિવેદન જારી કરશે.
૯. ભારત-ઈઝરાયેલ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે પણ મહત્ત્વના કરારો થશે.

You might also like