ગવારની કિંમત પાંચ વર્ષના નીચલા સ્તરે

અમદાવાદ: ગવારની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. હાજર અને વાયદા બજારમાં ગવારની કિંમતો ઘટીને પાંચ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઇ છે. ગવાર ગમ રૂ. ૭,૦૦૦, જ્યારે ગવાર સીડ રૂ. ૩,૪૦૦ પ્રતિ ક્વિન્ટલની સપાટીની નીચે ભાવ આવી ગયા છે. અમેરિકા સહિત વિદેશમાં નબળી માગ છે તો બીજી બાજુ ઊંચી સપ્લાયને કારણે કિંમતમાં ઘટાડો નોંધાયો છે, જે આગામી દિવસોમાં પણ જોવાઇ શકે છે.

કોમોડિટી વાયદા બજારમાં પણ ગવાર ગમના ભાવ ઘટી ૭,૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની સપાટીની નીચે પહોંચી ગયા છે, જ્યારે ગવાર સીડનો ડિસેમ્બર વાયદો રૂ. ૩,૪૦૮ પ્રતિ ક્વિન્ટલની સપાટીએ પહોંચી ગયો છે. વાયદા બજારમાં જોવા મળી રહેલી નરમાઇની અસર હાજર બજારમાં પણ જોવા મળી રહી છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ગવાર ગમ અને અન્ય ગવાર ઉત્પાદનોની વિદેશમાં નબળી માગને કારણે નિકાસ ઘટી છે. ભારતમાંથી અમેરિકામાં સૌથી વધુ નિકાસ થાય છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ગવાર ઉત્પાદનોની નિકાસમાં ૫૨ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે અને તેથી સ્થાનિક બજારમાં પણ ભાવ તૂટ્યા છે.

You might also like