ટેક્સ ચોરી પકડવા GSTN એનાલિટિક્સ કંપનીઓની મદદ લેશે

અમદાવાદ: જીએસટી નેટવર્ક કરચોરીને રોકવા તથા કરદાતાઓની પૂરી જાણકારી મેળવવા અને જલદીથી ટેક્સ ચોરીના કૌભાંડોને પકડવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ પૂરા થયા બાદ પ્રાપ્ત થયેલા ડેટા પરથી જીએસટીએન વિશ્લેષણ કરી રહ્યું છે તથા ટેક્સ ચોરીનો કયાસ લગાવી રહ્યું છે. ટેક્સ ચોરી સંદર્ભે જીએસટીએન એનાલિટિક્સ-વિશ્લેષણ કંપનીની મદદ લેશે. જીએસટીએને ડેટાનું આવું વિશ્લેષણ કરતી કંપનીની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ પસંદ કરવામાં આવેલી કંપની ફ્રોડ એનાલિટિક્સ સિસ્ટમ ડેવલપ કરશે. જીએસટી ચોરી રોકવા માટે એનાલિટિક્સ કંપની જીએસટી રજિસ્ટ્રેશન, રિટર્ન ફાઇલિંગ, ઇ-વે બિલના ડેટા, ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ, બેન્ક અને રાજ્યોના ટેક્સ વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલા ડેટા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ પાસેથી પ્રાપ્ત થયેલા ડેટા વગેરેના આધારે વિશ્લેષણ કરશે.

ફ્રોડ એનાલિસ્ટિક્સ કંપની જીએસટીએન અને અન્ય સ્રોતો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અને ડેટાના આધારે કરદાતાઓ ઉપર નજર રાખશે.  નોંધનીય છે કે જીએસટી પોર્ટલ ઈન્ફોસિસ કંપનીએ ડેવલપ કરેલ છે અને તેના કારણે વિવાદ ટાળવા માટે જીએસટીએનએ ઇન્ફોસિસને આ બાબતે દૂર રાખી છે.

You might also like