જીએસટી રાજ્યોની આવકના સ્રોત પર મોટી કાતર ચલાવશે?

રાજ્યસભામાં દુર્લભ આમ સહમતિ સાથે વસ્તુ અને સેવા કર અેટલે જીએસટી સંબંધીત સંવિધાન સંશોધન વિધેયક પસાર થતાની સાથેજ અેક મોટા અને લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવા આર્થિક સુધારાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ વિધેયક મુદે તમામ પક્ષોએે સાથે મળી તે અંગેની ગંભીરતા સમજી આ બિલ પર સહમતિ દર્શાવી તેનાથી ગૃહની ગરીમા પણ જળવાઈ રહી છે.

જોકે આ બિલ અગાઉ લોકસભામાં પસાર થયું હતું પરંતુ રાજ્યસભામાં આ બિલ બહુમતીથી પસાર થયા બાદ તેને આમ સહમતિ બનાવવા આ વિધેયકને લોકસભામાં ફરીવાર પસાર કરાવવામા આવ્યું હતું. જોકે આ વિધેયકને દેશના ઓછામાં ઓછા ૧૫ રાજ્યની વિધાનસભામાં પસાર કરાવવું પડશે. અને ત્યારબાદ તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થશે.

નાણાં પ્રધાને આ વિધેયકનો અમલ પહેલી અેપ્રિલ ૨૦૧૭ સુધીમાં કરવામાં આવે તેવી ડેડલાઈન નકકી કરી છે. ત્યારે આશા રાખવામાં આવી રહી છે કે આ બિલ તેની મુદત સુધીમાં પસાર થઈ જશે. અને આ માટે કોઈ વિશેષ અડચણ નહિ આવે. અને તે મુજબ થાય તે પણ અેક અતિ આવશ્યક છે. તેમ છતાં કેટલીક અડચણો હજુ પણ છે જેમાં જીઅેસટીનો માનક દર શું રહેશે? અને આ અંગેના વિવાદને ઉકેલવા માટે બનનારુ તંત્ર કેવી રીતે કામ કરશે? તેવા પણ સવાલ ઉભા છે.

જોકે આ અગાઉ કોંગ્રેસ જીઅેસટીના દરને સંવિધાન સંશોધન વિધેયકનો ભાગ ગણવા પર ખાસ ભાર મુકતી હતી. પરંતુ અંતે કોંગ્રેસે આવી માગણી પરથી પાછીપાની કરીને આ બિલને મંજુરી મળે તે દિશામાં સરકારને સહકાર આપતાં આખરે આ બિલ પસાર થઈ ગયુ. ત્યારે હવે વાત અેક જ છે કે બંને પક્ષ જીઅેસટીના દર નકકી કરવાનો નિર્ણય જીઅેસટીની કાઉન્સિલ પર છોડી દે.તો આ બિલના અમલીકરણમાં વધુ અડચણ નહિ આવે.

જીઅેસટીના મુદો વાજપેયી સરકાર વખતે પણ આવ્યો હતો. ત્યારે ટેકસ સુધારા સંબંધી કેલકર સમિતિએ આ પ્રકારની વ્યવસ્થા કરવા ભલામણ કરી હતી. ત્યારબાદ આવેલી યુપીઅે સરકારમાં આ બિલ પર ઠંડું પાણી રેડી દેવામાં આવતાં આ બિલ વચ્ચે અટવાઈ ગયું હતું અને બાદમાં આ વિધેયક અેક રાજકીય મુદો બની જતાં આ મામલે ભારે ખેંચતાણ થતાં વિપક્ષમાં અાવેલા કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષોએ સતત આ મુદે વિરોધ ચાલુ રાખતા જીઅેસટીને રાજ્યસભામાં પાસ કરાવવામાં કેન્દ્ર સરકારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો તેની દરેકને જાણ છે. હવે તેના અમલની રાહ જોવાઈ રહી છે.
જીઅેસટી બિલ કેન્દ્ર અને રાજ્ય સરકારના લગભગ દોઢ ડઝન અલગ અલગ ટેકસનું સ્થાન લેશે. અને સમગ્ર ભારતને એક બજારમાં પરિવર્તીત કરી નાખશે. હવે માત્ર અેક જ ટેકસથી દેશભરમાં વસ્તુઓના ટેકસ સંબંધી તમામ વિવાદનો પણ અંત આવી જશે. તેમજ વેપાર અને ઉદ્યોગને લગતી કેટલીક સમસ્યાઓ પણ હલ થઈ જશે.બીજી તરફ નાણાં પ્રધાને તમામ રાજ્યોને ખાતરી આપી છે કે જીએસટીના અમલથી રાજ્યોને થતા નુકસાનની ભરપાઈ પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર ભરપાઈ કરી આપશે. આ બિલનાં અમલથી જે તે રાજ્યોને વેટ અને અન્ય કરમાંથી થતી આવક ઓછી થઈ જવાની દહેશત છે.

કેન્દ્ર સરકારે હવે આગામી પહેલી અેપ્રિલથી વેપારીઓ અથવા અન્ય ધંધાદારીઓ તરફથી અપાતા કાચા બિલની પ્રથા દૂર કરવા જે તે રાજ્ય સરકારને તેનો અમલ કરવા આદેશ આપ્યો છે તેના કારણે અેપ્રિલથી જે તે વેપારીઓ અથવા અન્ય ધંધાદારીઓએ પાકું બિલ આપવું ફરજિયાત બનતાં તેનાથી સરકારને થોડી ઘણી રાહત સાથે આવક મળતી થઈ જશે. આમ જીએસટીના અમલથી રાજ્યને નુકસાનની સામે આવી પ્રથાથી થોડી આવક થશે તેનાથી રાજ્ય સરકારોને આવી આવક મળી રહેશે.

You might also like