જીએસટીના અમલ પહેલા વેટની સમાધાન યોજના આવે તેવી શક્યતા

અમદાવાદ: રાજ્ય સરકારે બજેટમાં વેટના વિવાદિત કેસોમાં વેટ ડિપાર્ટમેન્ટ અને વેપારીઓ વચ્ચે સમાધાન કરવાની સમાધાનકારી યોજના લાવવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાતને પાંચ મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં સરકારે તે અંગે હજુ સુધી જાહેરાત કરી નથી, જોકે વેટ ડિપાર્ટમેન્ટના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ વેટની સમાધાન યોજનાનો આખો મુસદ્દો તૈયાર છે.

નાણાં વિભાગમાં એને મંજૂરી માટે છેલ્લા કેટલાય સમયથી અનિર્ણાયક પડ્યો છે, પરંતુ હવે જીએસટી બિલ સંસદના ચોમાસું સત્રમાં મુકાઇ જાય તથા પસાર પણ થઇ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે ત્યારે વેટની સમાધાનકારી યોજના હવે જીએસટીની અમલવારી પૂર્વે જ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

નોંધનીય છે કે વેટની સમાધાનકારી યોજનાને પગલે સરકારને કરોડો રૂપિયાની અટવાયેલી આવક થાય તેવી શક્યતા છે. જીએસટી આવે તે પૂર્વે વેટ ડિપાર્ટમેન્ટને એપેલેટ ઓથોરિટી સમક્ષ વિવાદિત કેસોનું ભારણ ઘટાડવા માટે તથા ડિપાર્ટમેન્ટ અને વેપારી વચ્ચે આવા કેસોનું સમાધાન થાય તે માટે કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સમાધાન યોજના લાવવા માટેની કવાયત હાથ ધરાઇ છે.

નોંધનીય છે કે આ અગાઉ રાજ્ય સરકારે વેલ્યૂ એડેડ ટેક્સ એટલે કે વેટ આવ્યો તે પૂર્વે સેલ્સટેક્સ અમલમાં હતો અને સેલ્સટેક્સના સંખ્યાબંધ વિવાદિત કેસોના ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની જ સમાધાન યોજના લવાઇ હતી, જેમાં હજારોની સંખ્યામાં વિવાદિત કેસોનું સમાધાન પણ થયું હતું અને સરકારને આવક પણ થઇ હતી.

You might also like