સ્ટેટ જીએસટીમાં ટેક્સ રેટ પાંચથી ૧૨ ટકા વચ્ચે રાખવા માગ

અમદાવાદ: જીએસટી કાઉન્સિલે ચાર સ્લેબમાં ટેક્સના રેટનો નિર્ણય કર્યો છે, જેમાં જીવન જરૂરિયાતની વસ્તુઓને ઝીરો ટકાના ટેક્સ સ્લેબમાં લાવવા તથા ત્યાર બાદ ચાર ટેક્સ સ્લેબ એટલે કે પાંચ ટકા, બાર ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા એમ ચાર સ્લેબમાં ટેક્સ લેવાનો નિર્ણય કરાયો છે.

સ્ટેટ જીએસટીમાં મોટા ભાગની કોમોડિટી ઉપર પાંચ ટકા અને ૧૨ ટકાના સ્લેબમાં જ ટેક્સ લેવાય તેવી માગ ગુજરાત સેલટેક્સ બાર એસોસિયેશન દ્વારા કરવામાં આવી રહી છે. આગામી ૧ ફેબ્રુઆરીએ કેન્દ્રનું સામાન્ય બજેટ છે. ત્યાર બાદ ૨૧ ફેબ્રુઆરીએ રાજ્યનંુ બજેટ આવનાર છે. બાર એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ વારીસ ઇશાનીના જણાવ્યા પ્રમાણે આગામી બજેટમાં ટેક્સની નીતિમાં ધરખમ ફેરફાર કરવામાં આવી શકે છે.

જ્યાં સુધી રાજ્યનો સવાલ છે ત્યાં સુધી સ્ટેટ જીએસટી અંતર્ગત રાજ્યોને જે કોમોડિટી ઉપર ટેક્સ લેવાનો અધિકાર છે તે કોમોડિટી પર પાંચ ટકાથી ૧૨ ટકાના માળખામાં જ ટેક્સ નાખવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. હાલ ૧૨.૫ ટકા ઉપર ૨.૫ ટકા સેસ લેવામાં આવે છે. જેના પગલે કેટલીક કોમોડિટી પર ૧૫ ટકા જેટલો વેટ થાય છે અને તેના પગલે કારોબારીઓને અન્ય રાજ્યોની સરખામણીમાં બિનજરૂરી હરીફાઇનો સામનો કરવો પડે છે.

આવા સંજોગોમાં મોટા ભાગની ચીજવસ્તુઓ પર નીચો દર પાંચથી ૧૨ ટકાની વચ્ચે રાખવામાં આવે તો રાજ્યના કારોબારીઓને તેનો સીધો ફાયદો થઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like