જીએસટીના અમલ બાદ ટેક્સ કલેક્શન ચેકપોસ્ટની વ્યવસ્થા નાબૂદ કરાશે

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલવારી થયા બાદ રાજ્યો દ્વારા ચેકપોસ્ટ ઉપર કરવામાં આવતી હાલની ટેક્સ કલેક્શન વ્યવસ્થા નાબૂદ થઇ જશે. રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયાના જણાવ્યા પ્રમાણે જીએસટીની અમલવારી બાદ રાજ્યકક્ષાએ ટેક્સ કલેક્શન કરતી ચેકપોસ્ટની જરૂરિયાત નહીં રહે, જોકે એક્સાઇઝ કલેક્શન પોઇન્ટ આ વ્યવસ્થામાં ચાલુ રહી શકે છે, કેમ કે જીએસટીમાં આલ્કોહોલ પર સ્ટેટ ડ્યૂટી છે. સ્ટેટ એક્સાઇઝ ચેકપોસ્ટ જેવી ચેકપોસ્ટ બની રહી શકે છે.

ઇન્ડિયા ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક સમિટ-૨૦૧૭માં તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ટેક્સેશનની વાત છે, રાજ્યની ચેકપોસ્ટ નાબૂદ થઇ જશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંતર્ગત કોમોડિટી પરના રેટ જુદાં જુદાં રાજ્યો વચ્ચે સમાન રહેશે તેથી કોઇ એક રાજ્યની અંદર અથવા બહાર ચીજવસ્તુઓની હેરફેર માટે તપાસ કરવાની જરૂરિયાત નહીં રહે કે ચીજવસ્તુ રાજ્યની બહાર ગઇ છે કે નહીં? તેમણે વધુમાં જણાવ્યું કે સર્વિસ ટેક્સના રેટના મુદ્દે જીએસટી કાઉન્સિલે નિર્ણય કરવાનો રહેશે, પરંતુ ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે આ નિર્ણય ટાળી શકાય છે. સર્વિસ ટેક્સ ૧૮ ટકા હોવો જોઇએ, પરંતુ જ્યાં સુધી ટ્રાન્સપોર્ટ સેક્ટરની વાત છે ત્યાં સુધી તેના માટે અલગ રેટ હોઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે આગામી ૧૮ અને ૧૯ મેએ શ્રીનગર ખાતે જીએસટી કાઉન્સિલની મિટિંગ મળી રહી છે. આ કાઉન્સિલની મિટિંગમાં વિવિધ કોમોડિટી સહિત સર્વિસના ટેક્સ રેટને અંતિમ રૂપ આપવામાં આવશે. આ પૂર્વે જીએસટી કાઉન્સિલ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. સ્થાનિક ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જીએસટી આવ્યા બાદ હાલ રાજ્યોની વેટ માટે ચેકપોસ્ટ કલેક્શન સિસ્ટમ છે તેની કોઇ જરૂર રહેશે નહીં.

You might also like