જીએસટી સિસ્ટમની નિષ્ફળતાની સજા વેપારીઓ શું કામ ભોગવે?

નવી દિલ્હી: જીએસટીના અમલને બે મહિના કરતાં પણ વધુ સમય થઇ ચૂક્યો છે છતાં જીએસટી નેટવર્કના પ્રશ્ન સહિત માઇગ્રેશન ફોર્મમાં ખામી, સર્વર હેંગ થવાનો પ્રશ્ન, એક્સપોર્ટર્સને રિફંડ સહિતના કેટલાય પ્રશ્નને લઇને વેપારીઓ ત્રાહિમામ્ પોકારી ગયા છે.

વિવિધ પ્રશ્નોને લઇને દિલ્હી સહિત દેશના કેટલાય રાજ્યોની વડી અદાલતમાં કોઇ ને કોઇ અપીલ દાખલ થઇ રહી છે. દરમિયાન રાજસ્થાન હાઇકોર્ટે કેન્દ્રને સવાલ કર્યો છે કે જીએસટીના અમલીકરણને લઇને ઊભી થયેલી મુશ્કેલીઓનું નુકસાન વેપારીઓ કેમ ભોગવે? હાઇકોર્ટે જટિલ જોગવાઇઓ સામે પણ સરકાર પાસે જવાબ માગ્યો છે.

ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસનર્સના જનરલ સેક્રેટરી સંજય શર્માએ જણાવ્યું કે જીએસટી લાગુ થયા બાદ ટેક્નિકલી અને નિયમોની મુશ્કેલીઓને સામે જેમ જેમ અપીલો થઇ રહી છે તેમ તેમ હાઇકોર્ટ સરકાર સામે પ્રશ્નો ઉઠાવી રહી છે. જુલાઇ બાદ બે મહિનાની અંદર જીએસટીના રિટર્નની તારીખ વધારવામાં આવી છે તે તેના મજબૂત સંકેતો છે. સરકારે તથા જીએસટી નેટવર્કની તૈયારીઓ અપૂરતી છે.

રાજસ્થાન હાઇકોર્ટે આ અપીલ સામે કેન્દ્ર પાસેથી એક સપ્તાહમાં જવાબ માગ્યો છે અને જણાવ્યું છે કે જ્યારે જીએસટીની સિસ્ટમ જ તૈયાર નથી તો પછી વેપારીઓ પર ‘ક્લિનિકલ ટ્રાયલ’ કેમ નાખી દેવાયો છે. તો બીજી બાજુ દિલ્હી હાઇકોર્ટમાં પણ કેટલીક અપીલો થઇ રહી છે, જેમાં મોટા ભાગની ટેક્નિકલ ખામીના કારણે વેપારીઓને થતાં નુકસાનના સંદર્ભમાં આ અપીલો કરવામાં આવી રહી છે.

You might also like