શ્રીજી થયા મોંઘા, નડ્યું જીએસટીનું ગ્રહણ

અમદાવાદ: ગણેશ ચતુર્થી અાવતીકાલે છે. ભાવભેર શ્રીજીને પોતાના ઘરે પધરામણી કરાવતા ભક્તોને આ વર્ષે શ્રીજીની પ્રતિમા અને શણગારની ખરીદીમાં જીએસટીનું ગ્રહણ નડ્યું છે. શ્રીજીની પ્રતિમાના ભાવમાં આ વર્ષે ૩૦ ટકા જેટલો વધારો નોંધાતાં ભક્તો બજેટને પરવડે તેવી નાની મૂર્તિ ખરીદીને મન મનાવી રહ્યા છે.

શ્રીજીની પ્રતિમા હાલમાં ચાર ઇંચથી શરૂ કરીને નવ ફૂટ સુધીની બજારમાં મળી રહી છે. આ વર્ષે લોકોનો માટીની મૂર્તિ ખરીદવાનો આગ્રહ વધ્યો છે. ગત વર્ષે વેચાતી ૧૦ ઇંચની શ્રીજીની પ્રતિમા આ વર્ષે રૂ.ર૦૦થી રપ૦ જેટલી વધુ મોંઘી વેચાઇ રહી છે. રૂ.૬પ૦માં જે મૂર્તિ ગત વર્ષે વેચાતી હતી તેનો ભાવ વધી જતાં લોકો નાની મૂર્તિ ખરીદી રહ્યા છે. માટીના મૂર્તિકાર જગદીશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે કલર અને આભૂષણો આ વર્ષે જીએસટીના કારણે મોંઘાં થયાં છે. તેથી મૂર્તિની કિંમત પણ વધી છે.

દસ દિવસ માટે શરૂ થઇ રહેલા ગણેશ ઉત્સવ અંતર્ગત શહેરમાં ર.પ૦ લાખથી વધુ શ્રીજીની પ્રતિમાનું પંડાલ અને ઘરમાં પ્રસ્થાપન થશે. શ્રીજીને જાતજાતના શણગાર પ્રસાદના કાર્યક્રમો સહિત પંડાલ પાછળ અંદાજે રૂ.પ૦,૦૦૦નો ખર્ચ થશે. રૂ.પ૦૦ કરોડથી વધુ ખર્ચ ગણેશ ઉત્સવ પાછળ શહેરમાં થશે.

રપમીએ ગણેશ ચતુર્થી છે. આ વર્ષે ચોથની શરૂઆત ર૪મીએ રાત્રે થયા બાદ બે દશમ હોવાના કારણે શ્રીજીની સ્થાપના ૧૧ દિવસ રહેશે. વિસર્જન ૧રમા દિવસે કરાશે. ગણેશજીના શણગાર, હાર-મુગટ, હાથનાં બ્રેસલેટ, તિલક, પગનાં પાયલ, મૂષક શણગારમાં પણ આ વર્ષે ર૦થી ૩૦૦ ટકા વધારો નોંધાયો છે.

You might also like