GSTના કેટલાક નિયમો સામે ઈ-કોમર્સ કંપનીઓનો વિરોધ

નવી દિલ્હી: અગ્રણી ઇ-કોમર્સ કંપની જેવી કે ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલ દ્વારા આવનારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં કેટલાક નિયમોને લઇને સરકાર સામે સીધો મોરચો માંડ્યો છે. મોડલ જીએસટી કાયદા અંતર્ગત ટેક્સ કલેક્શન એટ સોર્સ-ટીસીએસને લાવવા સંબંધે ઇ-કોમર્સ કંપનીઓએ ચિંતા વ્યક્ત કરી છે એટલું જ નહીં આ અંગે આજે સરકારમાં પણ રજૂઆત કરશે. ઉદ્યોગ સંગઠન ફિક્કીની મદદથી ઇ-કોમર્સ કંપનીઓ સરકાર સામે પોતાનો પક્ષ રજૂ કરશે.

ઇ-કોમર્સ કંપનીઓનું કહેવું છે કે જીએસટીમાં ટેક્સ કલેક્શનનું કામ સરકાર દ્વારા થવું જોઇએ, કંપનીઓને કામ સોંપવું જોઇએ નહીં. ઇ-કોમર્સ કંપની માટે સૌથી મોટો પ્રશ્ન ટેક્સનાં નાણાંનું કલેક્શન કરવાનો છે, જે ડીલર અને ઇ-કોમર્સ કંપનીઓ વચ્ચે વિવાદ ઊભો કરી શકે છે. પ્રસ્તાવિત જીએસટીમાં ઇ-કોમર્સ કંપનીઓએ તેના પ્લેટફોર્મ પરના દરેક ડીલરના ટેક્સની ગણતરી અને તેના ટેક્સનું કલેક્શન કરવું પડશે તથા સરકારને આપવું પડશે.

ઇ-કોમર્સ કંપનીઓનું કહેવું છે કે આ તમામ પ્રક્રિયાના કારણે કંપનીઓની જવાબદારી વધશે. જે માટે ઘણા લોકોને નોકરીએ રાખવા પડી શકે છે તથા તેના માટે ખર્ચનું ભારણ પણ વધશે તથા કારોબાર ઉપર પણ અસર પડવાની ભીતિ છે. સરકાર પાસે આ અંગે પ્રસ્તાવિત જીએસટી નિયમોમાં ફેરફાર કરવાની માગ ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા કરાઇ છે.
http://sambhaavnews.com/

You might also like