અમદાવાદ: આજે મધરાતે ૧ર વાગ્યા પછી દેશભરમાં જીએસટી લાગુ થઇ રહ્યો છે ત્યારે જીએસટી પૂર્વે ઇલેકટ્રોનિક્સ આઇટમો અને ફોર વ્હીલર ખરીદવા માટે છેલ્લા દિવસે લોકોએ શો રૂમોમાં રીતસર ઘસારો કર્યો. ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના ભાવ આવતી કાલથી વધે તે પૂર્વે ખરીદીની ઘૂમ જામી છે. લોકોનો ઘસારો જોઇને વેપારીઓ હેવી ડિસ્કાઉન્ટની ઓફરની જાહેરાતો કરીને રોકડી કરી રહ્યા છે. ગ્રાહકોની નાડ પારખી ગયેલા શોપિંગ મોલ અને શો રૂમ ધારકોએ તો આજે મધરાત સુધી શો રૂમ ખુલ્લા રાખવાની જાહેરાત કરી છે. ઈ-કોમર્સ વેબસાઇટ પર પણ ધૂમ ખરીદી થઇ રહી છે.
હપતાની સગવડની ઓફરના કારણે ઇલેકટ્રોનિક્સ આઇટમોનાં શોપિંગ મોલ અને શો રૂમમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, એરકન્ડિશન, એરકૂલર, ફુડપ્રોસેસર, વેક્યુમ કલીનર વગેરેની ખરીદી કરવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. જીએસટી લાગુ પડ્યા પછી ભાવ વધી જશે તેવી ગણતરીથી જેમણે થોડો સમય પછી ખરીદી કરવાની છે તેઓ પણ તેમની જરૂરિયાતની વસ્તુ એડ્વાન્સમાં ખરીદી રહ્યા છે.
ઓનલાઈન ખરીદીમાં કંપનીઓએ ડિસ્કાઉન્ટ આપતાં લોકોએ ત્યાં પણ ખરીદીમાં પણ પસ્તાળ પાડી છે. વેપારીઓ જીએસટી પૂર્વે તેમનો સ્ટોક ખાલી કરવા માટે ગ્રાહકોને જુદી જુદી સ્કીમો અને હેવી ડિસ્કાઉન્ટની ઓફરોની લ્હાણી કરતા હોઇને હાલમાં બજારમાં દિવાળી પૂર્વે તહેવારોની ખરીદી જેવો માહોલ છવાયો છે.
ગ્રાહકોની માનસિકતાની નાડ પારખી ગયેલા વેપારીઓ આજે રાત્રે ૧ર વાગ્યા સુધી બિલો બનાવીને રાત્રિના બે વાગ્યા સુધી શોપિંગ મોલ, શો રૂમ ખુલ્લા રાખીને માલની ડિલિવરી કરીને સ્ટોક ખાલી કરશે.
લોકો પણ પોતાનાં બજેટ પ્રમાણે વસ્તુ ખરીદી કરવાની હોઇને અત્યારના સમયની છુટનો લાભ લઇ રહ્યા છે. હાલમાં છેલ્લા એક અઠવાડિયાથી ઓપન બોક્સ સેલ, ડિસ્કાઉન્ટ સેલ ના નામે સૌથી વધુ મોબાઇલ ફોન અને ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, માઇક્રોવેવ વેચાઇ રહ્યાં છે. આ તમામ વસ્તુઓ પર જીએસટીના દર વધી રહ્યા છે. જેથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમોમાં બેથી લઇને પાંચ હજાર સુધીનો વધારો થશે.
કાર ખરીદવા માગતા લોકોને આકર્ષવા કારની કંપનીઓએ લલચામણી ઓફર મૂકી છે. કારમાં રપ હજારથી ર.પ૦ લાખનું ડિસ્કાઉન્ટ અપાઇ રહ્યું છે. ૩૦ જૂને વેચાયા વગરના રહેલા સ્ટોક પર જીએસટીનો નવો દર લાગુ થશે તેથી પ્રિજીએસટી ઓફર સાથે ફોર વ્હીલરની ખરીદી પણ મોટા પ્રમાણમાં થઇ રહી છે. જ્યાં જીએસટીના દર કાલથી વધી રહ્યા છે તે તમામ ચીજોની ખરીદી માટે લોકો પડાપડી કરી રહ્યા છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ મામલે અવઢવ હોવાથી મોટાભાગના વેપારીઓ સ્ટોક ખાલી કરી રહ્યા છે.
http://sambhaavnews.com/