GSTનાં રિટર્નમાં ખુલાસો આપવા માટે ૩૦ દિવસનો સમય અપાયો

અમદાવાદ: રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલના ૧૦ મહિના બાદ રિટર્નની સ્ક્રૂટિની કામગીરી હાથ ધરી છે, જેમાં વેપારીઓ દ્વારા જીએસટીએર-૩-બી-સમરી રિપોર્ટ તથા જીએસટીઆર-૧ના રિટર્નની ચકાસણી હાથ ધરાઇ છે, જેમાં ટેક્સેબલ ટર્નઓવર તથા ભરવાપાત્ર ટેક્સમાં જો તફાવત હોય તો ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે. શહેરમાં હવે પાંચ હજારથી વધુ વેપારીને નોટિસ ઈશ્યૂ કરાઇ છે. આગામી સપ્તાહે વધુ ૪૫ હજાર નોટિસ ઈશ્યૂ થઇ શકે છે.

ડિપાર્ટમેન્ટનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જે વેપારીને નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે તે માટે આધાર, પુરાવાની વિગતો રજૂ કરવા તથા ખુલાસો આપવા ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

પુરાવાને ધ્યાનમાં લઇને વેપારીની રજૂઆત યોગ્ય જણાશે તો ડિપાર્ટમેન્ટ દ્વારા ખુલાસાને ગ્રાહ્ય રાખવામાં આવશે, પરંતુ જીએસટીઆર-૩-બી અને જીએસટીઆર-૧માં રિટર્નમાં વેપારી દ્વારા યોગ્ય ખુલાસો કરવામાં નહીં આવે તો તફાવતની રકમ કાયદા મુજબ વસૂલવામાં આવશે. અેક અંદાજ મુજબ ૫૦૦ કરોડથી વધુના આવી તફાવતની રકમ ડિપાર્ટમેન્ટ દ્વારા પકડી પડાઇ છે.

You might also like