સ્થળ તપાસમાં વિસંગતતા હશે તો GST રજિસ્ટ્રેશન થશે રદ

ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ (જીએસટી)માં રહેલી નાની-નાની ક્ષતિઓને શોધી કાઢીને ભેજાબાજો ટેક્સચોરીમાં તેનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા હોવાનું જીએસટી વિભાગના ધ્યાને આવ્યું હતું. આવો ફાયદો ઉઠાવીને ભેજાબાજો કરોડો રૂપિયાનો કર ગજવામાં સેરવી રહ્યા છે. આવા લોકોને ઝડપી લેવા માટે જીએસટી વિભાગ પણ કેટલીક બાબતો ધ્યાને આવતાં તેમાં સુધારા-વધારા કરી રહ્યું છે.

તાજેતરમાં જ વિભાગ દ્વારા પેઢીઓની ચકાસણીના આદેશ કરવામાં આવ્યા છે. કરચોરી માટે શંકાસ્પદ લગતી પેઢીઓ પર તંત્ર નજર રાખી રહ્યું છે. આવી ચકાસણીમાં જો કોઈ વિસંગતતા દેખાશે તો વિભાગ દ્વારા જે તે પેઢીનું રજિસ્ટ્રેશન રદ કરી દેવાનાં આકરાં પગલાં લેવાનો વિભાગે નિર્ણય કર્યો છે. જીએસટી અમલી બન્યો ત્યારે ર‌િજસ્ટ્રેશન પ્રક્રિયામાં ઇન્સ્પેક્ટર રાજનો યુગ ખતમ કરવાના હેતુથી ધંધાની ર‌િજસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઇન બનાવવામાં આવી હતી અને જીએસટી નંબર પણ ઓનલાઇન આપવામાં આવે તેવી વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ ભેજાબાજો દ્વારા કોઈકના દસ્તાવેજોના આધારે ધંધાની પેઢીનું ર‌િજસ્ટ્રેશન કરાવીને બોગસ બિલિંગ કેટલીક પેઢીઓ કરી રહી હોવાનું વિભાગના ધ્યાને આવ્યું હતું.

તેથી હવે આ પ્રવૃત્તિને નાથવા માટે જીએસટી ર‌િજસ્ટ્રેશન કરાવ્યાં હોય તે વખતે જે સ્થળ દર્શાવવામાં આવ્યું હોય તેની ચકાસણી કરવામાં આવી રહી છે. પેઢીની ચકાસણી દરમિયાન પેઢીના દસ્તાવેજો અને સ્થળ અંગેની કોઈ વિસંગતતા જો વિભાગના ધ્યાને આવશે તો પેઢીનું ર‌િજસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે.

સ્થળ ચકાસણી માટે જે અધિકારીઓ સ્થળ પર જશે તે અધિકારી કે કર્મચારીએ સ્થળ તપાસનો રિપોર્ટ ત્રણ દિવસમાં પોર્ટલ ઉપર અપલોડ કરી દેવો પડશે. દરેક પેઢીની ફર‌િજયાત ચકાસણી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીને જીએસટી ર‌િજસ્ટ્રેશન અંગે કોઈ શંકા જન્મે તો તેને પહેલાંથી જ ડામી દેવામાં આવશે. અત્યાર સુધી ઓનલાઈન ર‌િજસ્ટ્રેશનથી જીએસટી ર‌િજસ્ટ્રેશન મળી જતું હતું. હવે તેમાં સ્થળ ચકાસણી ફર‌િજયાત બનાવાઈ છે. તાંબુ, ‌િપત્તળ, લોખંડ, ભંગાર, તેલ, તેલીબિયાં, સિમેન્ટ, પ્લાયવુડ, સિરામિકના ધધાર્થીઓની સ્થળ ચકાસણી વિભાગના અધિકારીઓ જ કરશે.

You might also like