જીએસટીમાં રજિસ્ટ્રેશન અપેક્ષા કરતાં ઓછું

મુંબઇ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયાને ત્રણ સપ્તાહ કરતા વધુનો સમય થઇ ચૂક્યો છે. તેમ છતાં નવા ટેક્સ માળખામાં રજિસ્ટ્રેશન અપેક્ષા કરતાં ઘણું ઓછું થયું છે. સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી ચૂકવતા માત્ર ૩૦ ટકા વેપારીઓએ જીએસટી નેટવર્કનું માળખું સ્વીકારી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જીએસટી નેટવર્ક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા ડેટા મુજબ સેન્ટ્રલ એક્સાઇઝ ચૂકવતા ૪૩,૮૫૪ યુનિટોમાંથી માત્ર ૧૫,૭૮૬ યુનિટોએ જીએસટી માળખું સ્વીકાર્યું છે.

આ ડેટાએ નિષ્ણાતોને આશ્ચર્યમાં મૂકી દીધા છે, કેમ કે ૧.૫ કરોડ રૂપિયા સુધીના વાર્ષિક કારોબાર કરતાં યુનિટોને સેન્ટ્રલ એક્સાઇઝમાંથી ડ્યૂટીમાંથી રાહત આપવામાં આવી છે, જ્યારે જીએસટીના નવા ટેક્સ માળખામાં આ ટર્નઓવરની લિમિટ ઘટાડીને રૂ. ૨૦ લાખની કરી દીધી છે. આવા સંજોગોમાં રજિસ્ટ્રેશન યુનિટોની સંખ્યા વધવી જોઇએ, પરંતુ તેની સામે ઘટાડો નોંધાયો છે. રજિસ્ટ્રેશન માટે ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે જીએસટીનો કાયદો સમજવામાં લોકોને વાર લાગી રહી છે એટલું જ નહીં જીએસટી પોર્ટલ પર પણ મુશ્કેલી પડી રહી છે. તેના કારણે રજિસ્ટ્રેશન પ્રોસેસ ધીમી પડી રહી છે. પ્રાપ્ત ડેટા મુજબ સર્વિસ ટેક્સના મામલે ૬૦ ટકા કરદાતાઓએ જીએસટીનું નવું માળખું સ્વીકાર્યું છે. ઉપલબ્ધ ડેટા મુજબ ૧૦.૮ લાખ સર્વિસ ટેક્સ પેપર્સમાંથી માત્ર છ લાખ લોકોએ જીએસટી અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

You might also like