જીએસટીના ઈ-વે બિલના અમલમાં ફરીથી ધાંધિયાં

અમદાવાદઃ આવતીકાલથી રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઇ-વે બિલનો અમલ શરૂ થઇ રહ્યો છે, પરંતુ અમલ થાય તે પૂર્વે જ ઇ-વે બિલ ઇશ્યૂ કરવાની સાઇટ ક્રેશ થઇ ગઇ છે. બિલ ગઇ કાલે તેમજ આજે સવારે પણ ઇશ્યૂ થઇ શકતા નહીં હોવાથી વેપારીઓને હાલાકી પડી રહી છે.

આ અગાઉ ૧ ફેબ્રુઆરીએ પણ ઇ-વે બિલની અમલવારીની જાહેરાત કરી હતી, પરંતુ પોર્ટલની ખામીને કારણે જે તે સમયે પણ બિલો ઇશ્યૂ થઇ શકયા નહોતા. પાછળથી સરકારે ઇ-વે બિલની અમલવારી મોકૂફ રાખવાનો નિર્ણય કરવો પડયો હતો. આમ સરકારનો નિર્ણય પ્રથમગ્રાસે મક્ષીકા પુરવાર થયો હતો.

સરકારે આ વખતે ઇ-વે બિલ સરળતાથી ઇશ્યૂ થઇ શકે તે માટે પોર્ટલ પરની અગાઉ જોવા મળેલી કેટલીક ખામીઓને સુધારી હોવાનો દાવો કરી રહી છે. જોકે કાલથી અમલ થાય તે પૂૂર્વે ટ્રાન્સપોર્ટરો-વેપારીઓ દ્વારા બિલ બનાવવાની પ્રોસિજર હાથ ધરઇ છે, પરંતુ સાઇટ ક્રેશ થવાને કારણે ઇ-વે બિલ ઇશ્યુ થઇ શકતા નથી.

ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના જીએસટી કમિટીના ચેરમેન નિમીષભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે આવતીકાલથી ઇ-વે બિલનો અમલ શરૂ થઇ રહ્યો છે, પરંતુ સાઇટ ક્રેશ થઇ જવાને કારણે બિલ ઈશ્યૂ કરવામાં વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સત્તા ન હોવા છતાં પણ પોલીસ ઇ-વે બિલ માગી રહી છે
ઇ-વે બિલનો અમલ આવતીકાલથી શરૂ થઇ રહ્યો છે. ટ્રાન્સપોર્ટરો પાસે બિલ માગવાની સત્તા રાજ્યના કોમર્શિયલ ટેકસ ‌ડિપાર્ટમેન્ટને આપવામાં આવી છે, પરંતુ કેટલીક જગ્યાએ પોલીસ દ્વારા તોડપાણી કરવા ઇ-વે બિલની માગવામાં આવી રહ્યાની ફરિયાદ ટ્રાન્સપોર્ટરો દ્વારા કરાઇ રહી છે. ટ્રાન્સપોર્ટરોએ આ અંગે વેપારીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે રાજ્યના પોલીસ વડાને પણ આ અંગે કાગળ લખી જાણ કરી છે.

You might also like