જીએસટી ઘટાડવા કંપનીઓની સરકારમાં રજૂઆત

નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલે માત્ર સાત ચીજવસ્તુઓ સિવાય મોટા ભાગની ચીજવસ્તુઓ પરના રેટની જાહેરાત કરી દીધી છે. ૧૮ અને ૧૯ એમ બે દિવસીય મળેલી કાઉન્સિલની બેઠકમાં રેટની જાહેરાત કર્યા બાદ કેટલીક કોર્પોરેટ કંપનીઓએ સરકારમાં રેટ ઘટાડવાની જોરદાર રજૂઆત કરી છે.

હિંદુસ્તાન યુનિલિવર કંપની કે જે સર્ફ એક્સલ, રિન, વીમ અને વ્હિલ જેવા સાબુ અને ડિટર્જન્ટ પાઉડર બનાવે છે, તે કંપનીએ ડિટર્જન્ટ પર ઓછા દર લાદવાની જોરદાર રજૂઆત કરી છે, જેનો ઉપયોગ ટોઇલેટ સહિત વિવિધ સફાઇ માટે કરવામાં આવે છે. કંપનીએ રજૂઆત કરી છે કે ડિટર્જન્ટ પર ૨૮ ટકા જેટલો ઊંચો ટેક્સ લાદવો એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાનની વિરુદ્ધ છે. કંપનીએ જણાવ્યું કે જો ઓછો જીએસટી દર શક્ય ન હોય તો કાઉન્સિલે ૧૮ ટકાની ટેક્સ શ્રેણીમાં આ કોમોડિટીને રાખવી જોઇએ.

એ જ પ્રમાણે બિસ્કિટ ઉત્પાદક કંપની પારલેજીએ પણ બિસ્કિટ પરના દર ઘટાડવાની માગ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે બિસ્કિટ પર ટેક્સનું નીચલું સ્તર રાખવું જોઇએ. કંપનીએ રજૂઆત કરી છે કે બિસ્કિટ ન માત્ર ગરીબ લોકો ખાય છે, પરંતુ આંગણવાડીઓમાં પણ તેનું વિતરણ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ૧૦૦ રૂપિયા પ્રતિકિલોથી વધુ મોંઘા બિસ્કિટ પર ૧૮ ટકાના દરે જીએસટી લાદવાનો પ્રસ્તાવ કરી રહી છે, જ્યારે ૧૦૦ રૂપિયાથી ઓછી કિંમતના બિસ્કિટ પર ૧૨ ટકાના દરે જીએસટી આવશે. નોંધનીય છે કે જુદાં જુદાં રાજ્ય બિસ્કિટ પર ૪.૫ ટકાથી ૧૪.૫ ટકાની વચ્ચે વેટ લગાવે છે.

પશ્ચિમ બંગાળે કેટલાક દર સામે વિરોધ કર્યો
પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન અમિત મિત્રાએ જીએસટી કાઉન્સિલે નાખેલા કેટલાક દરનો વિરોધ કર્યો છે. તેઓનું કહેવું છે કે ટેક્સ માળખાથી રાજ્યની અર્થવ્યવસ્થા અને રોજગાર ઉપર વિપરીત અસર પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે કેટલીક ચીજવસ્તુઓ પર જે ટેક્સ નાખવામાં આવ્યો છે તે ટેક્સમાં ઘટાડો કરવા સંબંધે લડાઇ જારી રખાશે. નાણાપ્રધાન અમિત મિત્રા ઊંચા ટેક્સ દરને લઇ જીએસટી કાઉન્સિલની ૩ જૂને મળનારી બેઠકમાં ભાગ લઇ રજૂઆત કરી શકે છે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ સરકાર સિનેમા, પુસ્તક, લેધર સહિત અન્ય ઉત્પાદનો પર જીએસટીના હાલમાં નાખેલા ટેક્સ સ્લેબનો વિરોધ કરી રહી છે.

સોના ઉપર પાંચ ટકા જીએસટી આવે તેવી શક્યતા
સોના ઉપર પાંચ ટકા જીએસટી આવે તેવી શક્યતા છે. જીએસટી કાઉન્સિલનું માનવું છે કે સોનું સામાન્ય લોકોની ઉપયોગી વસ્તુ નથી. આ કીમતી ધાતુ ઉપર ઊંચો ટેક્સનો દર રાખવો કે ઓછો ટેક્સનો દર લાદવો એ ચર્ચાએ ગુજરાત સહિત દેશભરમાં જોર પકડ્યું છે. કેરળ સોના પર પાંચ ટકા જીએસટીની તરફેણ પહેલાંથી જ કરી રહ્યું છે.

http://sambhaavnews.com/

You might also like