જીએસટીના રેટની જાહેરાત બાદ કેટલાંક સેક્ટર નારાજ

નવી દિલ્હી: પાછલા સપ્તાહે જીએસટી કાઉન્સિલે કેટલીક વિવાદિત ચીજવસ્તુઓના રેટની જાહેરાત કર્યા સિવાય મોટા ભાગની ચીજવસ્તુઓના રેટની જાહેરાત કરી દીધી છે. વેપારી સંગઠન સાથે ચર્ચા-વિચારણા કર્યા વગર જ આ રેટની જાહેરાત કરતાં કેટલાંક સેક્ટર દ્વારા આ રેટનો વિરોધ થઇ રહ્યો છે. ઇ-કોમર્સ કંપનીઓનું કહેવું છે કે તેઓનું કામ મુશ્કેલ થઇ જશે. એ જ રીતે ઓટોપાર્ટ્સનું ઉત્પાદન કરતી અને વેચાણ કરતી કંપનીઓ પણ જીએસટીના જાહેર કરેલા દરથી નારાજ છે. નાના અને મધ્યમ કદના ઓટોપાર્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીઓનું કહેવું છે કે ૨૮ ટકા જીએસટી લાગશે તો તેઓએ કારોબાર કરવો મુશ્કેલ થશે. ઓટોપાર્ટ્સ મર્ચન્ટ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે ઊંચા જીએસટી ભારણના કારણે વેપાર કરવો મુશ્કેલરૂપ થશે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના જણાવ્યા પ્રમાણે ચર્ચા-વિચારણા કર્યા વગર જીએસટી લાગુ કરાય તે પૂર્વે વેપારીઓના પ્રતિનિધિવાળી કમિટી બનાવવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર સરકાર દ્વારા જીએસટી અંગે નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

સોનું અને સોનાની જ્વેલરી પર પણ પાંચ ટકા જીએસટી લાદવાની વાતો વહેતી થઇ છે. એ જ પ્રમાણે કાપડ ઉપર પણ પાંચ ટકા જીએસટી આવી શકે છે, જોકે આ અંગેનો નિર્ણય ૩ જૂને થઇ શકે છે, પરંતુ ટેક્સના આ રેટ સામે અત્યારથી વિરોધ કરવાની ચર્ચા ઊઠી છે.

હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝની પણ ચિંતા વધી ગઇ છે. લક્ઝરી સેવાઓ પર ૨૮ ટકા ટેક્સ લાદવાની સરકારે જાહેરાત કરી છે, જેમાં ફાઇવસ્ટાર હોટલ, સિનેમા સામેલ છે. નવા રેટના એલાનથી રૂ. ૫૦૦૦થી ઉપરના હોટલ રૂમ પર ૨૮ ટકા ટેક્સ લાગશે. એ જ પ્રમાણે મોબાઇલનું બિલ પણ મોંઘું થઇ જશે. અત્યારે ૧૫ ટકા સર્વિસ ટેક્સ લેવામાં આવે છે. જીએસટી બાદ ૧૮ ટકા લેવાશે, જેનો ઇન્ડસ્ટ્રીઝ વિરોધ કરી રહી છે.
http://sambhaavnews.com/

You might also like