GST-રેરા ઈફેક્ટઃ રિવરફ્રન્ટના પ્લોટની હરાજી પર ‘બ્રેક’ વાગી

અમદાવાદ: આગામી તા.૩૦ જૂનની મધરાતથી દેશભરમાં એકસમાન કરમાળખું (જીએસટી) અમલમાં મુકાશે. કેન્દ્ર સરકાર જીએસટીને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. ક્યાંક જીએસટીને આવકાર મળી રહ્યો છે તો કેટલાંક ક્ષેત્રમાં જીએસટી સામે જબ્બર વિરોધનો વંટોળ ઊઠ્યો છે. નોટબંધી બાદ અત્યારે સર્વત્ર જીએસટીનો મામલો છવાયો છે.

ર્પોરેશનમાં પણ જીએસટીની અસર જોવા મળી છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ-રેરાને લઈને પણ અનિશ્ચિતતા સર્જાઈ છે. આમ રેરા અને જીએસટીના કારણે સત્તાધીશોએ સાબરમતી રિવરફ્રન્ટના બે પ્લોટની હરાજી પર કામચલાઉ બ્રેક મારી દીધી છે. જીએસટી અને રેરાનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ જ શાસકો આ દિશામાં આગળ વધશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદને લગતા ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગણાય છે. કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટના વિકાસ પાછળ અત્યાર સુધીમાં રૂ.૧૨૦ કરોડથી વધુની રકમ ખર્ચીને વિભિન્ન પ્રકારની સુવિધાઓ ઊભી કરાઈ છે. અમદાવાદીઓ ઉપરાંત રાજ્યનાં મુલાકાતીઓ માટે મનોરમ્ય રિવરફ્રન્ટ આકર્ષણનું અનોખું કેન્દ્ર બન્યું છે. પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયા બાદ રિવરફ્રન્ટને વર્લ્ડકલાસ બનાવવાના ચક્રો ગતિમાન કરાયાં છે.

રિવરફ્રન્ટ પર લંડન, શિકાગો અને સિંગાપોર જેવી વર્લ્ડકલાસ કક્ષાની બિલ્ડિંગ બનાવવા કોમર્શિયલ ઉપયોગ માટેના વેચાણની કામગીરી હાથ ધરવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે. રિવરફ્રન્ટની કોમર્શિયલ જમીનના વિકાસ માટે રાજ્ય સરકારે ખાસ આયોજન ઘડી કાઢ્યું છે. જે અંતર્ગત એફએસઆઈના નિયંત્રણ વગર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની મર્યાદામાં આઈકોનિક બાંધકામ થઈને નદીની સુંદરતા પણ જળવાશે.

ગત તા.૪ મે, ૨૦૧૬એ રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કે ગાંધીબ્રિજના પશ્ચિમ છેડે કુલ ૩૫૨૦ ચો.મી. ક્ષેત્રફળના કુલ રૂ.૧૬૧૦ કરોડ બેઝ પ્રાઈઝના બે કોમર્શિયલ પ્લોટ હરાજીથી વેચવા માટે ખાસ મંજૂરી અપાઈ હતી. પ્રથમ તબક્કામાં જે બે પ્લોટ વેચાણ માટે મુકાયા હતા તે પૈકી એક પ્લોટ શેખપુર ખાનપુર ગામમાં રે. સર્વે નંબર ૩૫૫નો હોઈ તેનો પ્લોટ એરિયા ૧,૨૮૦ ચો.મી. તેમજ મંજૂરી માત્ર બિલ્ટઅપ એરિયા ૧૬,૭૭૩ ચો.મી. છે. આ પ્લોટ ઉપર ૭૫.૬ મીટર ઊંચાઈમાં ત્રણ બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ ફલોટ વત્તા ૧૭ માળનાં બાંધકામને મંજૂરી મળી હોઈ તેની તળિયાની કિંમત રૂ.૧૦૦.૬૪ કરોડ રખાઈ છે.
જ્યારે બીજો પ્લોટ ચંગીસપુર ગામમાં રે.સર્વે નંબર ૧૮૪ ઉપર આવેલો હોઈ તેનો પ્લોટ એરિયા ૨૨૪૦ ચો.મી. છે. તેમજ મંજૂરી માત્ર બિલ્ટઅપ એરિયા ૧૧,૦૭૪ ચો.મી. હોઈ બાંધકામની મહત્ત્મ ઉંચાઈ ૨૫ મીટરની રહેશે જેમાં સાત માળની બિલ્ડિંગ બનાવી શકાશે. આ પ્લોટની તળિયાની કિંમત રૂ.૬૬.૪૫ કરોડની છે. રિવરફ્રન્ટના પ્લોટનીકોમર્શિયલ હરાજી માટેનું તંત્ર દ્વારા સમયપત્રક પણ તૈયાર કરાયું હતું. જે અનુસાર ગત તા.૧૪-૧૫ જૂને ઈ-ઓકશનના મોકરાઉન્ડ અને તા.૨૧-૨૨ જૂને ઈ-ઓકશન થવાનું હતું.

તાજેતરમાં ખુદ મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારે પ્લોટનું માર્કેટિંગ કરવા મુંબઈની મુલાકાત લીધી હતી. જોકે ગત જીએસટીની અમલવારીને પગલે હરાજી પર કામચલાઉ બ્રેક લાગી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ કહે છે, રિવરફ્રન્ટના પ્લોટની હરાજીને હમણાં મોકૂફ રખાઈ છે. રેરા અને જીએસટીની અમલવારી અને તેનો અભ્યાસ કર્યા બાદ હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટનો કોમર્શિયલ જમીનના ૩,૨૬,૮૩૦ ચો.મીટરના કુલ ૫૧ પ્લોટ તબક્કાવાર વેચાણમાં મુકાવાના છે.
http://sambhaavnews.com/

You might also like