GSTના અમલ બાદ કેટલીક ચીજો સસ્તી તો કેટલીક મોંઘી થશે

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદ કેટલીક ચીજવસ્તુઓ મોંઘી થઇ શકે છે તો બીજી બાજુ કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો આવી શકે છે. જીએસટી કાઉન્સિલે ઝીરો ટકા સહિત પ, ૧૨, ૧૮ અને ૨૮ ટકા એમ ચાર ટેક્સ સ્લેબ લાદવાનો નિર્ણય કર્યો છે.

કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે જરૂરિયાતની ચીજવસ્તુઓ પર ઓછો ટેક્સ લાગશે તો બીજી બાજુ લક્ઝુરિયસ ચીજવસ્તુઓ ઉપર વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે. કાઉન્સિલની બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ૨૯ ચીજવસ્તુઓ પર પાંચ ટકાના દરે ટેક્સ લાગશે, જેમાંથી ૧૯ ચીજવસ્તુઓ એવી છે કે જેના ઉપર હાલના દરે ટેક્સ લાગે છે તેના કરતાં જીએસટી વધુ હશે, જ્યારે બાકીની દશ ચીજવસ્તુઓ પર હાલ જે ટેક્સ લેવાય છે તેના કરતાં જીએસટી નીચો રહેશે. વર્તમાનમાં ખાદ્યતેલ, ચણાની વિવિધ પ્રોડક્ટ, અન્ય દાળની વિવિધ પ્રોડક્ટ, ‌િચકન, ચા, કોફી પર ત્રણથી પાંચ ટકા ટેક્સ લેવાય છે, જ્યારે જીએસટી લાગુ થયા બાદ આ ચીજવસ્તુઓ મોંઘી થશે.

એ જ પ્રમાણે વનસ્પતિ ઘી, માખણ, ટેક્સી અને ઓટોરિક્ષાના ભાડા ઉપર હાલ સાતથી નવ ટકા ટેક્સ છે, પરંતુ જીએસટીમાં આ ચીજવસ્તુઓ ઉપર પાંચ ટકા ટેક્સ લેવાશે, જેના કારણે આ ચીજવસ્તુઓ સસ્તી થશે. ૨૮ ટકા ટેક્સ સ્લેબમાં એક અંદાજ મુજબ ૫૦ ચીજવસ્તુઓ સામેલ કરવામાં આવી શકે છે, જેમાંથી કેટલીક ચીજવસ્તુઓ ઉપર ૨૫ ટકા વધારાનો ટેક્સ લાદવાના કારણે આ વસ્તુઓ વધુ મોંઘી થઇ શકે છે. વર્તમાનમાં કેનના પેકેજિંગવાળા બેવરેજિસ પર ૩૮ ટકા ટેક્સ લેવાય છે, પરંતુ જીએસટીના નવા દર લાગુ થયા બાદ આ ટેક્સ ઘટીને ૨૮ ટકા થશે, જેના કારણે આ ચીજવસ્તુઓના ભાવ ઘટશે.

દરમિયાન કાર અને જીપ પર હાલ ૩૧ ટકા ટેક્સ લેવાય છે, જે જીએસટી લાગુ થયા બાદ ઘટીને ૨૮ ટકા થઇ જશે, જેથી નાની પેસેન્જર કારના ભાવમાં વધારો થશે. કપડાં ધોવાના સાબુ, સોડા, પાઉડર, ટોઇલેટ સાબુ, હેર ઓઇલ, શેમ્પુ, લોશન, પરફ્યૂમ, ટૂથપેસ્ટ જેવી વસ્તુઓ ઉપર ૨૯ ટકા ટેક્સ લેવાય છે, પરંતુ જીએસટી બાદ ૨૮ ટકા ટેક્સ લાગશે.
http://sambhaavnews.com/

You might also like