જીએસટી પોર્ટલથી બીજે દિવસે પણ રજિસ્ટ્રેશન થઈ ન શક્યાં

અમદાવાદ: જીએસટીને આવવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં બાકી રહેલા વેપારીઓ માટે ગઇ કાલથી ત્રણ મહિના માટે પોર્ટલ પર રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ગઇ કાલે ટેકનિકલ કારણોસર વેપારીઓ રજિસ્ટ્રેશન કરાવી શકયા નહોતા. આજે બીજા દિવસે પણ શરૂઆતના કલાકોમાં રજિસ્ટ્રેશન કામગીરી ઠપ જોવા મળી રહી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાજ્યમાં ૪,૬પ,૦૦૦થી પણ વધુ રજિસ્ટર્ડ વેપારીઓ છે. જેમાં પ૦,૦૦૦થી પણ વધુ વેપારીઓ એક યા બીજાં કારણોસર જીએસટીએન-ગુડસ એન્ડ સર્વિસ ટેકસ સર્વિસ નેટવર્કમાં માઇગ્રેટ થઇ શકયા નથી. જુલાઇથી જીએસટી અમલી બનનાર છે ત્યારે કારોબારીઓએ જીએસટી નંબર લેવો ફરજિયાત છે, પરંતુ ગઇ કાલથી શરૂ થયેલ જીએસટી પોર્ટલમાં ટેકનિકલ કારણોસર વેપારીઓનું રજિસ્ટ્રેશન નહીં થઇ શકવાને કારણે વેપારીઓ ચિંતામાં મુકાઇ ગયા છે.

ટેકસ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વેપારીઓની સરળતા માટે માઇગ્રેશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. જેમાં પેઢીનું નામ, પાન નંબર, એડ્રેસ પ્રૂફ, લાઇટ બિલ, બેન્ક એકાઉન્ટની સહિતની અન્ય વિગતો ભરવામાં આવે એટલે જીએસટીનુું રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ જનરેટ થઇ જતું હોય છે તથા પોર્ટલ પર નાખવામાં આવેલા મોબાઇલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ આવી જતો હોય છે, પરંતુ પોર્ટલમાં ટેકનિકલ કારણોસર આ નંબર જનરેટ નહીં થવાને કારણે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અટવાઇ ગઇ છે.

આ અંગે ગુજરાત સેલ્સટેક્સ બાર એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ વારીશ ઈશાનીના જણાવ્યા પ્રમાણે બીજે દિવસે પણ વેપારીઓનું રજિસ્ટ્રેશન થઇ શક્યું નથી.
http://sambhaavnews.com/

You might also like