જીએસટી: માસિક રિટર્ન હવે ત્રિમાસિક કરવાની વિચારણા

અમદાવાદ: સરકાર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના રિટર્ન ફાઈલિંગમાં વેપારીઓના એક મોટા વર્ગને રાહત આપવાની તૈયારીમાં છે. તેમને દર મહિને રિટર્ન ફાઈલ કરવાને બદલે દર ત્રણ મહિને રિટર્ન ફાઈલ કરવાની સુવિધા આપવા પર સરકાર વિચારણા કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નાણાં મંત્રાલયમાં આ અંગે સઘન વિચાર વિમર્શ ચાલી રહ્યો છે.

તેને લાગુ કરવામાં થોડો સમય લાગી શકે છે, કારણ કે પહેલા આ પ્રસ્તાવ લો કમિટીને મોકલવામાં આવશે અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ જીએસટી કાઉન્સિલને મોકલવામાં આવશે. જીએસટી કાઉન્સિલમાં નાણાપ્રધાન અરુણ જેટલી અને રાજ્યોનાં નાણાં પ્રધાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકાર ૨૦ લાખ સુધીનાં ટર્ન ઓવર ધરાવતા વેપારીઓ માટે સરળ રિટર્ન ફાઈલિંગ સિસ્ટમના આઈડિયા ઉપર ધ્યાન આપી રહી છે.

દર મહિને રિટર્ન ફાઈલિંગને કારણે વેપારીઓ તરફથી એવી ફરિયાદો થઈ રહી છે કે તેનાથી તેમના પરનો બોજ વધી જશે. ત્રણ તબક્કાની આ પ્રક્રિયા સંપન્ન કરવામાં એક બાજુ તેમનો ખર્ચ વધી જશે. તો બીજી બાજુ તેમના પર કાર્યબોજ પણ વધી જશે. પશ્ચિમ બંગાળના નાણાંપ્રધાન અમિત મિત્રાએ એક પત્ર લખીને અરુણ જેટલીને રૂ. ૭૫ લાખથી ઓછું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાની મંજૂરી આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. સરકારનું માનવું છે કે નિયમોમાં છૂટ આપવાથી સરકારને વધુ નુકસાન થશે નહીં.

સૂત્રોનું કહેવું છે કે ત્રિમાસિક રિટર્નમાં કેટલીક મુશ્કેલીઓ પણ પડશે કે જે દૂર કરવી પડશે. જેમ કે ટેક્સ ક્રેડિટના મામલા સાથે કઈ રીતે કામ લેવું તે અંગે કોઈ રસ્તો કાઢવો પડશે. બીજી બાજુ મોટી કંપનીઓ જેવી કે મારુતિ સુઝુકી અથવા હિન્દુસ્તાન લિવરને દર મહિને રિટર્ન ફાઈલ કરવું પડશે. જ્યારે તેમના વેન્ડર્સ કે સપ્લાયર્સને ત્રણ મહિનામાં એક વખત રિટર્ન ફાઈલ કરવું પડશે તેનાથી રિટર્ન ટેલી થવામાં મુશ્કેલ પડશે.

You might also like