GST માઈગ્રેશનમાં ન ગયેલા વેપારીઓને ચેકિંગની ચીમકી

અમદાવાદ: કેન્દ્ર સરકારે અગાઉ ૧ એપ્રિલથી જીએસટી લાગુ થવાની જગ્યાએ હવે જુલાઇથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. એકબાજુ રાજ્યમાં તથા દેશના અન્ય રાજ્યોમાં પણ વેટ ડિપાર્ટમેન્ટમાંથી જીએસટીમાં માઇગ્રેશનની પ્રક્રિયા ઝડપભેર હાથ ધરાઇ રહી છે.

રાજ્યમાં ચાર લાખથી વધુ વેપારીઓ દ્વારા જીએસટીની માઇગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જોકે હજુ પણ એક યા બીજા કારણસર એક અંદાજ મુજબ ૮૦ હજારથી વધુ વેપારીઓ માઇગ્રેશનની પ્રક્રિયામાં ગયા નહીં હોવાના કારણે વેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વેપારીઓનું ચેકિંગ હાથ ધરવાની ચીમકી ઉચ્ચારાઇ છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આ અંગે તમામ વેપારીને ઇમેઇલ અને મોબાઇલ દ્વારા જીએસટીના માઇગ્રેશનમાં જવા માટે તાકીદ કરાઇ છે. જો તેમ કરવામાં નહીં આવે તો સ્પોટ વિઝિટ  સહિત અન્ય દસ્તાવેજોનું પણ ચેકિંગ કરવાની ડિપાર્ટમેન્ટ દ્વારા ચેતવણી ઉચ્ચારી છે. નોંધનીય છે કે શહેરમાં એક અંદાજ મુજબ ૨૦ હજારથી વધુ એવા વેપારી છે કે જેઓએ એક યા બીજા કારણસર માઇગ્રેશન પ્રક્રિયામાં ગયા નથી તેઓને ઇમેઇલ અને મોબાઇલ ફોનના એસએમએસ દ્વારા તાકીદ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અગ્રતાના ધોરણે આ અગાઉ રાજ્યભરના વેટના ડીલર્સને જીએસટીમાં માઇગ્રેશન કરવા પ્રોજેક્ટ હાથ ધરાયો હતો, પરંતુ નોટબંધી અને ત્યાર બાદ કેટલાક ટેક્િનકલ કારણસર વેપારીઓ જઇ શક્યા ન હતા. હવે ડિપાર્ટમેન્ટે ફરી એક વખત રાજ્યના તમામ નોંધાયેલા વેટ ડીલર્સને તાકીદ કરી છે.
http://sambhaavnews.com/

You might also like