જીએસટીમાં સ્થાનિક ઉદ્યોગોને કર રાહતને લઈ અસમંજસની સ્થિતિમાં

નવી દિલ્હી: દેશની કેટલીક રાજય સરકારે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે ટેક્સમાં રાહત આપી છે, પરંતુ જીએસટી આવ્યા બાદ આ ટેક્સમાં રાહત ચાલુ રહેશે કે નહીં તે અંગે આ ઉદ્યોગોના સંચાલકોમાં અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. જે તે રાજયની સરકારોએ આ છૂટને રાહત આપવા સંબંધે હજુ કોઇ ફોર્મ્યુલા નક્કી કરી નથી.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અને તામિલનાડુની સરકાર ઓટોમોબાઇલ્સ સેક્ટરને રાહત આપે છે, જ્યારે આ જ રીતે ગુજરાત સહિત અન્ય સરકારો પણ કેટલાક ઉદ્યોગોને સ્પેશિયલ રાહતની જાહેરાત કરી છે. રેવન્યૂ સેક્રેટરી હસમુખ અ‌િઢયાના જણાવ્યા પ્રમાણે જીએસટી બાદ ઉદ્યોગોને કોઇ પણ પ્રકારનું પ્રોત્સાહન કે કર રાહત બજેટ દ્વારા જ આપી શકાશે.

તેમના જણાવ્યા પ્રમાણે રાજ્ય માત્ર બીટુસી-બિઝનેસ ટુ કન્ઝ્યુમર પ્રોત્સાહન આપી શકશે. દરમિયાન પહાડી પ્રદેશો અને પૂર્વોત્તર રાજ્યને કેન્દ્ર સરકાર રિફંડ આધા‌િરત જીએસટીમાં રાહત ચાલુ રાખશે. ઉદ્યોગજગતને જે તે રાજ્ય સરકાર વેટ સહિત અન્ય ટેક્સમાં રાહત ચાલુ રાખશે કે નહીં તે અંગે ચિંતા સતાવી રહી છે. તેઓના કહેવા પ્રમાણે જો આ રાહત હાલ આપવામાં આવી રહી છે તે દૂર કરવામાં આવે તો જે તે રાજ્યના ઉદ્યોગને ભારે આર્થિક નુકસાનનો બોજો સહન કરવાનો વારો આવી શકે છે.

ટેક્સ નિષ્ણાતોના કહેવા પ્રમાણે જીએસટી બાદ સર્વિસ ટેક્સના દરમાં વધારો થઇ શકે છે એટલું જ નહીં, આયાતી સામાનની સરખામણીમાં સ્થાનિક કક્ષાએ ઉત્પાદન થતી ચીજવસ્તુઓમાં સ્પર્ધા જોવા મળશે.
http://sambhaavnews.com/

You might also like